બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીએ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા

બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. સમ્રાટ ચૌધરીએ પટનાના લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને તેમને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બિહારના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હોય.
સમ્રાટ ચૌધરીની સાથે JDU ક્વોટામાંથી વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજના કાર્યક્રમમાં માત્ર આ ત્રણ નેતાઓના જ શપથ લેવામાં આવ્યા છે, શપથ સમારોહમાં હાજરી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળી. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ RJDમાં જોડાયા. RJDમાં તેઓ મંત્રી બન્યા, RJDમાં રહ્યા બાદ તેઓ 2014માં JDUમાં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી (શહેરી વિકાસ અને આવાસ વિભાગ) બન્યા.
વર્ષ 2018માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને આજે પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પર બિરાજમાન છે. 2019માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2020માં તેઓ ભાજપ તરફથી વિધાન પરિષદમાં પહોંચ્યા. ઑગસ્ટ 2022માં જ્યારે નીતિશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડીને RJD સાથે મહાગઠબંધન સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને ખરી રાજકીય ઓળખ મળી. તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા. વર્ષ 2023માં સમ્રાટ ચૌધરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જ્યારે નીતિશ કુમારે ફરીથી NDAમાં વાપસી કરી, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી. એટલું જ નહીં, 2025ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નિશાના પર સૌથી વધુ સમ્રાટ ચૌધરી રહ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે NDAની વાપસી થતાં તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
બિજેન્દ્ર પ્રસાદ યાદવ સુપૌલ બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી અનેકવાર ચૂંટણી જીતી ચૂક્યા છે. બિજેન્દ્ર યાદવ નીતિશ કુમારની સરકારમાં ઘણી વખત મંત્રી રહી ચૂક્યા છે.
વિજય કુમાર ચૌધરી બિહારની રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય છે. તેઓ બિહારના સમસ્તીપુર જિલ્લાની સરાયરંજન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ અહીંથી અનેકવાર જીત્યા છે અને બિહાર સરકારમાં અનેક મહત્ત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે.




