AAP પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાના હસ્તે ‘આપનું અધિકાર પત્ર’નું લોકાર્પણ

આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી અને વોર્ડ નંબર 4ના મજબૂત ઉમેદવાર મનોજ સોરઠીયાના હસ્તે “આપનું અધિકાર પત્ર”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત મહાનગરપાલિકામાં AAPની સરકાર બનશે તો સુરતના લોકોને 9 મૂળભૂત અધિકારો આપવાની જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં AAP નેતા ગોપાલ રાય અને મનોજ સોરઠીયાની સાથે સાથે પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો અમે જનતાને 9 અધિકાર આપીશું. શિક્ષણ, આરોગ્ય, વેરાઓ, પાર્કિંગ અને જાહેર પરિવહન, પર્યાવરણ, સંસ્કૃતિ અને રમતગમત, સુવિધાઓ, ભ્રષ્ટાચાર મુક્તિ અને પારદર્શિતા અને અન્ય એમ કરીને નવ અધિકારો જનતાને આપીશું.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને વોર્ડ નંબર 4ના મજબૂત ઉમેદવાર મનોજ સોરઠીયાએ કહ્યું કે પ્રત્યેક વોર્ડમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની પ્રાથમિક, કેમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉભી કરીશું અને કોલેજ પણ ઊભી થાય એવા પ્રયત્ન કરીશું. સુરતમાં આધુનિક સુવિધાઓ સાથે આઈટી પાર્ક ઉભો કરવામાં આવશે. દરેક પરિવારને પાંચ લાખનું વીમા કવર આપવામાં આવશે, “ક્લિનિક ઓન વ્હીલ” સેવા શરૂ કરવામાં આવશે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવીશું અને સાથે સાથે ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ માટે ફૂડ ટેસ્ટિંગ લેબ પણ બનાવીશું. ઘર વેરો અડધો કરવામાં આવશે અને પાણી વેરો તથા પ્રોફેશનલ વેરો માફ કરાશે, પાણીના મીટરો દૂર કરવામાં આવશે અને તેમજ મહિલાઓ, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને સિટી બસ અને મેટ્રોમાં મફત મુસાફરી આપવામાં આવશે. ટેન્ડર અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવશે. નગર રાજબીલ અમલમાં મૂકવામાં આવશે, સસ્તા દરે આવાસ ઉપલબ્ધ કરાશે અને લારી-ગલ્લા તથા ફેરિયાઓને ઓળખપત્ર આપી નિયમિત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના વરસાદી પાણીના નિકાલ માટે અને જળસંચય માટે યોગ્ય વ્યવસ્થા કરીશું. સિવાય પાણીના તળ ઊંચા આવે અને વરસાદી પાણી સમુદ્રમાં જતા અટકાવી શકાય એ માટે વ્યવસ્થા ઊભી કરીશું. સુરતમાં વૃક્ષોની સંખ્યા બમણી કરીશું. સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉભા કરીશું, બાગ બગીચા, લાફિંગ ક્લબ, વોકર્સ ક્લબ અને સંગીતને પ્રોત્સાહન આપીશું. સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ અને ક્રિકેટ એકેડમી ઊભી થાય એવા પ્રયત્ન કરીશું. રખડતા પ્રાણીઓ માટે એનિમલ હોસ્ટેલ બનાવીશું. સુરત મહાનગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ન્યૂનતમ વેતન અપાવીશું. પરપ્રાંતિય મજૂરો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને એમના માટે નીતિઓનું ઘડતર કરીશું. આ સિવાય જરૂરિયાત પ્રમાણે સુરતમાં યોજનાઓ બનાવીશું અને કોઈપણ પ્રકારની આયાતી યોજનાઓ નહીં બનાવીએ. આ સિવાય આમ આદમી પાર્ટી બીજા અનેક જન કલ્યાણના કામો કરશે.







