કાલોલના કાનોડ ગામે ખેતરમાં ગાયો ચરાવવા બાબતે પિતા-પુત્ર પર લાકડી વડે હુમલો:પોલીસ ફરિયાદ દાખલ.

તારીખ ૧૬/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાનોડ ગામે પોતાના ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા પશુપાલકે ઉશ્કેરાઈ જઈ પિતા-પુત્ર પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ઇજાગ્રસ્ત યુવકે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નાની કાનોડ ખાતે રહેતા કલ્પેશકુમાર મંગળસિંહ ચૌહાણ ગત રવિવારે તેમના પિતા સાથે કેનાલ પાસે આવેલા પોતાના બાજરીના ખેતરમાં ગયા હતા. આ દરમિયાન કાનોડ ખાતે રહેતા રૂપલાભાઈ ભરવાડ નામનો શખ્સ પોતાની ગાયો આ ખેતરમાં ચરાવી રહ્યો હતો. કલ્પેશકુમારે “અમારા ખેતરમાં ગાયો કેમ ચરાવો છો?” તેમ કહી ટોકતા જ પશુપાલક રૂપલાભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા.આરોપીએ ઉશ્કેરાઈને પિતા-પુત્રને બિભત્સ ગાળો આપી હતી અને પોતાની પાસે રહેલી લાકડી વડે કલ્પેશકુમાર પર હુમલો કરી દીધો હતો. લાકડીના ફટકા વાગવાથી કલ્પેશકુમારને જમણા હાથે અને પગે ઇજાઓ પહોંચી હતી. પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતા મંગળસિંહને પણ આરોપીએ છોડ્યા નહોતા અને તેમને પણ બરડાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા. હુમલા બાદ આરોપીએ પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા કલ્પેશકુમારે સારવાર મેળવ્યા બાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં બનાવ અંગેની આપવીતી જણાવી હતી. પોલીસે કલ્પેશકુમારની ફરિયાદના આધારે આરોપી રૂપલાભાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.








