PANCHMAHALSHEHERA

પંચમહાલમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને પોલીસ સજ્જ

 

પ્રતિનિધિ ગોધરા તા.16

 

નિલેશભાઈ દરજી શહેરા

 

હેડ ક્વાર્ટર ખાતે ૫૦ જવાનોને રાઈયટ કંટ્રોલની ખાસ તાલીમ અપાઈ

 

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના સીધા માર્ગદર્શન હેઠળ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોકટીના સમયે અને ખાસ કરીને ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોજાયેલી આ અતિ મહત્વની તાલીમમાં આશરે 50 જેટલા પોલીસ જવાનોએ ભાગ લીધો હતો.

 

આ તાલીમ દરમિયાન આર.પી.આઇ. એસ. એમ. નિસરતા દ્વારા પોલીસ જવાનોને તોફાની ટોળાને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. જેમાં જવાનોને ખાસ કરીને ગેસ ગન, હેન્ડ ગ્રેનેડ અને અત્યાધુનિક વજ્ર વાહનના યોગ્ય સંચાલન અંગે પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવા સામેલ થયેલા આધુનિક સાધનોની કામગીરી અને તેનો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન ઘણીવાર ઘર્ષણ કે ટોળાં વિખેરવાની નોબત આવતી હોય છે ત્યારે તેને સુરક્ષિત રીતે કેવી રીતે નિયંત્રિત કરવું તે માટે આ શસ્ત્ર અને સાધનોની તાલીમ આગામી ચૂંટણીના અનુસંધાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ તાલીમ થકી પંચમહાલ પોલીસની કામગીરી અને તેમની સજ્જતા વધુ મજબૂત બની છે.

Back to top button
error: Content is protected !!