MORBI:મોરબીમાં ચૂંટણી પૂર્વે ગરમાવો: ભાજપના ઉમેદવાર સામે “પાટીદાર દીકરી” મામલે ગંભીર આક્ષેપો ધરાવતું પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ




MORBI:મોરબીમાં ચૂંટણી પૂર્વે ગરમાવો: ભાજપના ઉમેદવાર સામે “પાટીદાર દીકરી” મામલે ગંભીર આક્ષેપો ધરાવતું પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. વોર્ડ નં-૯ ના ભાજપના ઉમેદવાર હિરેન કરોતરા સામે એક પાટીદાર યુવતીને હેરાન-પરેશાન કરવાના ગંભીર આક્ષેપો સાથેનું પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ‘શ્રી પાટીદાર યુવા મંચ’ દ્વારા જાહેર કરવામાં આવેલા આ લખાણમાં પાટીદાર સમાજની એકતા અને દીકરીના ન્યાય માટે ખુલીને સામે આવવા હાકલ કરવામાં આવી છે.

પેમ્પલેટમાં કરાયેલા આક્ષેપો મુજબ, વોર્ડ નં-૯ ના ભાજપના ઉમેદવાર હિરેન કરોતરાએ એક પાટીદાર દીકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા હતા. જોકે, સત્ય સમજાતા દીકરી પરત પિયર આવી ગઈ હતી. આરોપ છે કે છેલ્લા ચાર વર્ષથી આ ઉમેદવાર દીકરીને હેરાન કરી રહ્યો છે. પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા છૂટાછેડા માટે કરાયેલી વિનંતીઓને પણ ઠુકરાવી દેવામાં આવી હોવાનું લખાણમાં જણાવાયું છે.
”દીકરીને ન્યાય અપાવવા એક થાઓ”:
પાટીદાર યુવા મંચની અપીલ – પેમ્પલેટમાં મતદારોને સીધી અપીલ કરતા લખ્યું છે કે, “શું પાટીદાર દીકરીની પડખે કોઈ નહીં?” ભાજપ દ્વારા આવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પાટીદાર યુવા મંચે મતદારોને આહવાન કર્યું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દીકરીને ન્યાય અપાવે અને પાટીદાર એકતાને વધુ બુલંદ બનાવે.આ પેમ્પલેટ વાયરલ થતા મોરબીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે અને પાટીદાર સમાજમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.



