દેશનો ચૂંટણી નકશો બદલવાનો સરકારનો પ્રયાસ વિપક્ષે બગાડ્યો !!! મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર

લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે (17 એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ મુદ્દે 528 સભ્યોએ મતદાન કર્યું છે. આ પૈકી તરફેણમાં 298 મત પડ્યા છે, જ્યારે 230 સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો છે. આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મતદાનના પરિણામોની સત્તાવાર જાહેરાત કરીને બિલના પરાજયની પુષ્ટિ કરી હતી. જ્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાને શનિવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
લોકસભામાં મહિલા અનામત બિલ પર નિર્ણાયક મતદાન થયું છે. લોકસભામાં પહેલા રાઉન્ડમાં બંધારણ (131મો સુધારો) સુધારા બિલના સમર્થનમાં 278 મત પડ્યા અને 211 મત વિરોધમાં પડ્યા. આમ, લોકસભામાં કુલ 489 મતદાન થયું છે.
બિલ નાપાસ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ‘બંધારણ (131મો સુધારો) સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં કારણ કે તેને ગૃહમાં મતદાન દરમિયાન 2/3 બહુમતી મળી ન હતી. કુલ મત 528 પડ્યા, જેમાંથી સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા. પહેલા રાઉન્ડમાં કુલ 498 મત પડ્યા, જેમાં સમર્થનમાં 278 અને વિરોધમાં 211 મત પડ્યા. હવે આ બંધારણ સંશોધન બિલ પર આગળની કાર્યવાહી કરવી શક્ય નથી.
ગૃહમંત્રીએકહ્યું કે, જો આપણે 543 બેઠકોના આધારે મહિલા અનામત લાગુ કરીશું તો તમિલનાડુમાં 13 બેઠકો મહિલાઓ માટે અનામત થશે અને 26 બેઠકો સામાન્ય રહેશે. જો 2011ની વસ્તી ગણતરી મુજબ મહિલા અનામત લાગુ કરીએ, તો સંસદીય બેઠકોની સંખ્યા 6 ઓછી થઈ જશે. પરંતુ આપણે એવું નથી કરી રહ્યા. અમે દરેક રાજ્ય માટે 50 ટકા બેઠકોનો વધારો કરી રહ્યા છીએ.
લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન (Delimitation) બિલ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જોકે કોઈએ સીધો વિરોધ કર્યો નથી, પરંતુ INDI ગઠબંધનના સભ્યો ‘જો અને તો’ જેવા બહાના હેઠળ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષ બિલના અમલીકરણની રીતનો નહીં, પરંતુ વાસ્તવમાં મહિલા અનામતનો જ વિરોધ કરી રહ્યો છે.
સીમાંકનની પ્રક્રિયામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ને તેમની વધતી વસ્તીના પ્રમાણમાં ફાળવવામાં આવતી બેઠકોની સંખ્યામાં વધારો કરવાની જોગવાઈ પણ શામેલ છે. એક અર્થમાં જે લોકો સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે તેઓ વાસ્તવમાં SC અને ST બેઠકોમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પહેલું સત્ય તો એ છે કે આ મહિલા અનામત બિલ નથી, કારણ કે તે તો 2023માં જ પસાર થઈ ચૂક્યું છે. આ બિલ દેશનો ચૂંટણી નકશો બદલવાનો પ્રયાસ છે. આ બિલનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર માત્ર સત્તા જાળવી રાખવા માટે આ દાવ રમી રહી છે. આ બિલ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના અધિકારો છીનવી લેવાનો એજન્ડા છે. આનાથી તેમની ભાગીદારી ઓછી થઈ જશે. સરકારે જે પ્રયોગ કાશ્મીર અને આસામમાં કર્યો તે જ હવે આ ‘રાષ્ટ્રવિરોધી’ દ્વારા સમગ્ર દેશમાં કરવા માંગે છે.





