
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુન્દ્રામાં આસ્થાનું ઘોડાપૂર: શાહ મુરાદ બુખારી પીરના ચરણે શ્રદ્ધાળુઓનું મહેરામણ, પ્રખ્યાત હલવો ખરીદવા ભારે પડાપડી
મુન્દ્રા, તા. 18:
કચ્છના સુપ્રસિદ્ધ હાજીપીરના મેળાની પૂર્ણાહુતિ બાદ પરત ફરતા હજારો શ્રદ્ધાળુઓના પ્રવાહથી મુન્દ્રામાં જાણે દિવાળી જેવો ઝળહળતો માહોલ જોવા મળ્યો હતો. શહેરની ઐતિહાસિક અને આસ્થાનું કેન્દ્ર એવી શાહ મુરાદ બુખારી પીરની દરગાહ પર શીશ નમાવવા અને માનતા પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું. આ ધાર્મિક માહોલની સાથે મુન્દ્રાના જાણીતા ‘ચીકણા હલવા’ની ભારે માંગને પગલે સ્થાનિક બજારોમાં લાખોનો વ્યાપાર નોંધાયો હતો.
મોડી રાત્રે પણ બજારોમાં દિવાળી જેવો માહોલ:
શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડને કારણે કંદોઈ બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ખાસ કરીને ગત ૧૩ એપ્રિલના રોજ મોડી રાત્રે ૨:૦૦ વાગ્યે પણ બજારમાં દિવાળી જેવી રોનક જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ અહીંથી પ્રખ્યાત હલવાની પ્રસાદી અચૂક સાથે લઈ જાય છે અને પોતાના સ્વજનોને ભેટ આપે છે, જે અહીંની વર્ષો જૂની પરંપરા છે.
વેપારીઓમાં અનેરો ઉત્સાહ:
અન્ય દુકાનો બની ‘હલવા સેન્ટર’ મુન્દ્રામાં હલવાની માંગ એટલી હદે વધી હતી કે સોના-ચાંદી અને રેડીમેડ કપડાંના વેપારીઓએ પણ બે દિવસ માટે પોતાની દુકાનો ખાલી કરી, પાંચથી સાત હજાર રૂપિયાના ભાડે હલવો વેચવા માટે આપી દીધી હતી. હલવો બનાવતા કારીગરો છેલ્લા એક મહિનાથી રાત-દિવસ ઉત્પાદન કરી રહ્યા હોવા છતાં, ગ્રાહકોના અવિરત ધસારા સામે માલ ખૂટી પડ્યો હતો. વેપારીઓએ ગુણવત્તા જાળવી રાખવાની નીતિ સાથે લાખો રૂપિયાના હલવાનું વેચાણ કર્યું હતું.
અન્ય ક્ષેત્રોમાં પણ તેજીનો સંચાર :
હલવા ઉપરાંત, મુન્દ્રાની કચ્છી બાંધણી અને હેન્ડલૂમની બજારોમાં પણ ખરીદીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. યાત્રિકોના આગમનથી સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળ્યો છે. આમ, શ્રદ્ધા અને વ્યવસાયના સંગમ સાથે મુન્દ્રાના આ ઉત્સવી માહોલે સમગ્ર કચ્છમાં ચર્ચા જગાવી છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




