‘સોમવારે જ જૂનું મહિલા અનામત બિલ રજૂ કરો, ઈન્ડિયા ગઠબંધન સાથ આપશે’ : પ્રિયંકા ગાંધી

મહિલા અનામત બિલને લઈને સર્જાયેલા રાજકીય ગતિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. લોકસભાના વિશેષ સત્રમાં બંધારણ(131મો સુધારો) બિલ, 2026 પસાર ન થઈ શકતા દેશભરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ સ્થિતિમાં દિલ્હીમાં એક વિશેષ બ્રીફિંગ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સરકારને ખુલ્લો પડકાર ફેંકતા માગ કરી છે કે, સરકાર સોમવારે જ એ જૂનું મહિલા અનામત બિલ ફરીથી સંસદમાં રજૂ કરે જેને અગાઉ તમામ પક્ષોએ વ્યાપક સમર્થન આપ્યું હતું. હાલમાં સત્તાપક્ષ અને વિપક્ષ આ મુદ્દે સામસામે આવી ગયા છે, જેના કારણે દેશમાં મહિલા અનામતને લઈને એક નવું રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.
મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ પડકાર ફેંક્યો કે, ‘સોમવારે જ સંસદ બોલાવો અને જૂનું બિલ રજૂ કરો, પછી જુઓ કે કોણ મહિલા વિરોધી છે. અમે સૌ તમને વોટ આપીશું અને સમર્થન કરીશું.’ વિપક્ષી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ હવે આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી થયું છે કે વિપક્ષ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને જણાવશે કે તેઓ અનામતના પક્ષમાં જ છે, પરંતુ સરકાર આ બિલની આડમાં દેશનો રાજકીય નકશો બદલવા માંગતી હતી.
પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘અનામત એ મહિલાઓનો અધિકાર છે અને વડાપ્રધાને તેને વસ્તી ગણતરી તથા સીમાંકન(Delimitation) સાથે જોડીને પોતાને ‘મહિલાઓના મસીહા’ તરીકે રજૂ કરવાનો જે ખોખલો પ્રયાસ કર્યો હતો, તે આજે નિષ્ફળ રહ્યો છે. આજે વિપક્ષે એકતા બતાવીને લોકશાહીનું રક્ષણ કર્યું છે. જો આ બિલ પસાર થઈ ગયા હોત, તો દેશમાં લોકશાહીના અસ્તિત્વ પર જોખમ આવી શકે તેમ છે.’
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકારના સંઘીય માળખાને નબળું પાડવાના પ્રયાસને વિપક્ષે એક થઈને રોકી દીધો છે. આ લોકશાહીની મોટી જીત છે. ભારત હવે બદલાઈ ચૂક્યું છે. જનતા બધું સમજે છે. માત્ર કેમ્પેઈન ચલાવવાથી કે PR કરવાથી હકીકત બદલાતી નથી, લોકોનો ભરોસો સરકાર પરથી સતત ઘટી રહ્યો છે. સરકાર 2023માં પસાર થયેલું મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ કરે જેથી મહિલાઓને સાચું પ્રતિનિધિત્વ મળી શકે. મહિલા અનામતમાં OBC ક્વોટા હોવો જોઈએ, જેથી પછાત વર્ગની મહિલાઓને વાસ્તવિક લાભ મળે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે લોકસભામાં સરકાર આ બિલ પસાર કરાવી શકી નહોતી. આ બિલમાં સંસદની બેઠકો 543થી વધારીને 850 કરવાની જોગવાઈ હતી. 21 કલાકની ચર્ચા બાદ થયેલા મતદાનમાં હાજર 528 સાંસદોમાંથી પક્ષમાં 298 અને વિરોધમાં 230 વોટ પડ્યા હતા. બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી એટલે કે 352 વોટની જરૂર હતી, જેના કારણે આ બિલ 54 મતોથી પડી ગયું હતું. હવે વિપક્ષના આક્રમક વલણ બાદ સોમવારની રાજનીતિ પર આખા દેશની નજર છે.
વિપક્ષી દળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખવાની તૈયારીમાં છે. આ પત્રમાં જૂના મહિલા અનામત બિલને લાગુ કરવાની માગ કરવામાં આવશે. સૂત્રો મુજબ આ અંગે ઈન્ડિયા ગઠબંધનના પક્ષો દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. વિપક્ષ સ્પષ્ટ કરશે કે તેઓ મહિલા અનામતનું સંપૂર્ણ સમર્થન કરે છે, પરંતુ સરકાર તેની આડમાં દેશનો રાજકીય નકશો બદલવાનો પ્રયાસ કરી રહી છે.





