AHAVADANG

ડાંગમાં અખાત્રીજની અનોખી ઉજવણી:-પૂર્વજોનાં પૂજન સાથે આવનારા પાકની પરંપરાગત ખાતરી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ દ્વારા અખાત્રીજનો પાવન તહેવાર પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવાયો હતો.આ પ્રસંગે આદિવાસીઓએ પોતાના પૂર્વજોની પૂજા કરી અને આવનારા વર્ષમાં કયો પાક લેવો તેની પરંપરાગત રીતે ખાતરી કરી હતી.ડાંગી આદિવાસીઓ માટે અખાત્રીજ મુખ્ય અને અત્યંત મહત્વનો તહેવાર માનવામાં આવે છે.વર્ષના અંતમાં આવતો આ તહેવાર ‘છેલ્લો તહેવાર’ તરીકે પણ ઓળખાય છે, જ્યારે અખાત્રીજ પછી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. જંગલ અને પ્રકૃતિ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા આદિવાસી સમાજ માટે પ્રકૃતિ આરાધ્ય છે, અને તેઓ તેની સામે પોતાની શ્રદ્ધા અને લાગણી વ્યક્ત કરે છે.આ તહેવાર દરમિયાન આદિવાસીઓ પોતાના પૂર્વજોને યાદ કરી તેમના નામે ચૂલામાં અગારી પાડે છે, જેને પૂર્વજોના દેવપૂજન તરીકે માનવામાં આવે છે.આ પરંપરા તેમના જીવનમાં પૂર્વજોના સ્થાન અને માન્યતાઓને પ્રતિબિંબિત કરે છે. આ કારણે અખાત્રીજને પૂર્વજ પૂજનનો તહેવાર પણ કહેવાય છે.જેમાં ખેતી આદિવાસી સમાજનો મુખ્ય આધાર હોવાથી અખાત્રીજના દિવસે આવનારા વર્ષ માટે કયો પાક વધુ યોગ્ય રહેશે તેની પરંપરાગત રીતે ખાતરી કરવામાં આવે છે. વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવાતો આ તહેવાર કૃષિ સાથે સીધો જોડાયેલો છે.અખાત્રીજના આશરે આઠ દિવસ પૂર્વે ‘ગવરાઈ’ (ગૌરાઈ) પૂજન કરવાની વિશેષ પરંપરા પણ પ્રચલિત છે. આ વિધિમાં વાંસની ટોપલી, જેને ડાંગી ભાષામાં ‘સેનુગલી’ કહેવામાં આવે છે, તેમાં માટી ભરી મકાઈ, નાગલી, અડદ, ભાત અને જુવાર જેવા પાંચ પ્રકારના ધાન્ય વાવવામાં આવે છે. ગવરાઈ પૂજન દરમિયાન સ્ત્રીઓ પરંપરાગત ગીતો ગાઈ ધાર્મિક વાતાવરણ સર્જે છે.આ ટોપલીને ઘરના એક ખૂણામાં રાખીને વાંસથી ઢાંકી દેવામાં આવે છે અને દરરોજ સવારે કૂવા અથવા નદીમાંથી લાવવામાં આવેલા શુદ્ધ પાણીથી તેનું સિંચન કરવામાં આવે છે. ગવરાઈમાં ઉગેલા ધાન્યના વિકાસના આધારે આવનારા વર્ષના પાકનો અંદાજ લગાવવામાં આવે છે, જે આદિવાસી સમાજની પ્રાચીન કૃષિ પરંપરા અને પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધને દર્શાવે છે.આ રીતે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના વિવિધ તહેવારોમાં તેમની સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેની અડગ શ્રદ્ધા સ્પષ્ટપણે ઝળકી ઊઠે છે..

Back to top button
error: Content is protected !!