GUJARAT:લોકશાહીનું મૌન રુદન – વિકાસની ચમક પાછળ નૈતિકતાનું પતન? : લેખક અમીત ત્રિવેદી




GUJRAT:લોકશાહીનું મૌન રુદન – વિકાસની ચમક પાછળ નૈતિકતાનું પતન? : લેખક અમીત ત્રિવેદી

આજે જ્યારે દેશ ટેકનોલોજી અને આર્થિક સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ લોકશાહીના પાયા સમાન ‘મતાધિકાર’ પર જોખમના વાદળો ઘેરાઈ રહ્યા હોય તેવું ભાસે છે. તાજેતરમાં ચૂંટણીના માહોલમાં જે રીતે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અને ‘બિનહરીફ’ વરણીની હોડ જામી છે, તેણે જાગૃત નાગરિકોમાં એક ગંભીર ચર્ચા જગાવી છે: શું આ ખરેખર જનતાનો અવાજ છે કે લોકશાહીની ગરિમાનું ચીરહરણ?

લોકશાહીની વ્યાખ્યા ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન’ છે. પરંતુ વર્તમાન સ્થિતિ જોતા એવું લાગે છે કે પડદા પાછળ ખેલાતા રાજકીય દાવપેચને કારણે સામાન્ય માણસ પાસેથી પોતાનો પ્રતિનિધિ પસંદ કરવાનો હક છીનવી લેવામાં આવી રહ્યો છે. જો જનતા સર્વાનુમતે કોઈને સ્વીકારે તો તે આવકાર્ય છે, પરંતુ જો ભય, પ્રલોભન કે કાવતરા દ્વારા મેદાન ખાલી કરાવવામાં આવે, તો તે લોકશાહીના આત્મા સમાન ‘ચૂંટણી’ની પ્રક્રિયા પર જ સવાલિયા નિશાન ઊભા કરે છે.
આજે સમાજમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પહેલાના સમયમાં નેતાઓ લોકહિત અને સેવાની ભાવનાથી કાર્ય કરતા હતા, જ્યારે આજે ‘શાસક’ બનવાની વૃત્તિ વધી રહી છે. ગગનચુંબી ઇમારતો અને છલકાતી તિજોરીઓ વચ્ચે આપણે નૈતિક રીતે કંગાળ થઈ રહ્યા છીએ તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.”સાચો વિકાસ એ નથી કે જ્યાં તિજોરીઓ છલકાય, સાચો વિકાસ એ છે જ્યાં સામાન્ય માણસનો અધિકાર સુરક્ષિત રહે.”
સામાન્ય જનતાના મનમાં ઉઠતી આ મથામણ કદાચ સત્તાના નશામાં ચૂર લોકો માટે ‘મૂર્ખામી’ હોઈ શકે, પણ લોકતાંત્રિક મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા દરેક વ્યક્તિ માટે આ એક પીડા છે. પૂર્વજોએ જોયેલું લોકશાહીનું સ્વપ્ન શું આ જ હતું? શું આપણે પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યા છીએ કે નૈતિક અધઃપતન તરફ પાછળ ધકેલાઈ રહ્યા છીએ?
વિકાસના ઓઠા હેઠળ જો નૈતિકતા અને લોકશાહીના મૂલ્યોને ધરબી દેવામાં આવશે, તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. સમય પાકી ગયો છે કે આપણે જાગૃત બનીએ અને લોકશાહીની પવિત્રતાને જાળવી રાખવા માટે અવાજ ઉઠાવીએ. ઈશ્વર સૌને સદ્દબુદ્ધિ આપે અને આ ‘મૌન રુદન’ સત્તાના સિંહાસન સુધી પહોંચે તેવી જ પ્રાર્થના.




