દાહોદ તાલુકાના ભીટોડી ગામ નજીક ઉભી ટ્રકમાં કાર ઘુસી જતા કારમાં સવાર ત્રણ માસુમ બાળકોના મોત ઘટના જાણ થતા કતવારા પોલીસ ઘટના પહોંચી

તા.૨૦.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ભીટોડી ગામ નજીક ઉભી ટ્રકમાં કાર ઘુસી જતા કારમાં સવાર ત્રણ માસુમ બાળકોના મોત ઘટના જાણ થતા કતવારા પોલીસ ઘટના પહોંચી
યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક શ્રદ્ધાળુ પરિવારને દાહોદના ટીટોડી ગામે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. રોડની સાઈડમાં ઉભેલા એક કન્ટેનરની પાછળ તેઓની ફોરવીલ કાર ધડાકાભેર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર ત્રણ માસુમ બાળકીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માતમાં અન્ય ૯ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં, જેઓને તાત્કાલિક સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલી ત્રણેય માસુમ બાળકીઓના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયા છે. અકસ્માત એટલું જ જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના કૈડાવત ગામના તડવી ફળિયામાં રહેતા રાકેશભાઈ તોલિયાભાઈ ભાભોર પોતાના પરિવારજનો સાથે પોતાના ગામના અને પોતાના પરિવારના જયરામ ભાઈ બચુભાઈ ભાભોરની એમ.પી.૦૯ડીસી-૧૬૨૦ નંબરની ટાટા નેક્સોન કાર લઈ પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયા હતા, અને માતાજીના દર્શન કરી તેઓ પરત ફરી રહ્યા હતા, તે વખતે ચાર થી સાડા ચાર વાગ્યાના સુમારે મધ્યપ્રદેશના કૈડડાવત ગામના ભાભોર પરિવારની પુરપાટ દોડી આવતી નેક્સોન કાર અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર આવેલ દાહોદ તાલુકાના ભીટોડી ગામે ભીટોડી ઢાળ પાણીના ટાંકા પાસે રોડની સાઈડમાં ઉભેલ જીજે ૧૬ એ.ડબ્લ્યુ-૭૯૪૯ નંબરના કન્ટેનરની પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ માસુમ બાળકીઓને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તે ત્રણે માસુમ બાળકીઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે ગાડીના ચાલક જયરામભાઈ બચુભાઈ ભાભોર સહિત નવજણાને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટના અંગેની જાણ થતા જ આસપાસના લોકો તેમજ ક્તવારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક ૧૦૮ બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સ્થળ પર જ મોતને ભેટેલી ત્રણે માસુમ બાળકીઓના મૃતદેહનું પંચો રૂબરૂ પંચનામુ કરી. પોસ્ટમોર્ટમ માટે લાશને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આ સંબંધે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કૈડાવત ગામના રાકેશભાઈ તોલિયા ભાઈ ભાભોરે કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





