Rajkot: રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા ‘રેસિડેન્સિયલ સમર સાયન્સ કેમ્પ’ નું આયોજન માત્ર ૫૦ વિદ્યાર્થીઓ માટે મર્યાદિત, અનુભવ આધારિત વિશિષ્ટ કેમ્પ

તા.૨૧/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા વિકસાવવામાં આવેલ છે, જે સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃતતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે.

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા અને તેમને અનુભવ આધારિત શિક્ષણની અનોખી તક આપવા માટે રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા મે મહિનામાં “રેસિડેન્સિયલ સમર સાયન્સ કેમ્પ – 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ખાસ કરીને ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો છે.

આ સમર વેકેશનને અર્થપૂર્ણ અને રોમાંચક બનાવવા માટે પાંચ આધુનિક અને રસપ્રદ થીમ આધારિત, ત્રણ દિવસીય, કુલ પાંચ વિશિષ્ટ રેસિડેન્સિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે: આ પાંચ કેમ્પોની થીમ 1. વૈજ્ઞાનિક કેવી રીતે બનવું? (૧ મે થી ૩ મે, ૨૦૨૬) 2. સ્પેસ સમર કેમ્પ (૬ મે થી ૮ મે, ૨૦૨૬) 3. મશીન એન્જિનિયરિંગ (૧૪ મે થી ૧૬ મે, ૨૦૨૬) ૪. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ (૨૧ મે થી ૨૩ મે, ૨૦૨૬) અને 5. એક્સપ્લોરિંગ નેચર (૨૮ મે થી ૩૦ મે, ૨૦૨૬). દરેક કેમ્પ ૩ દિવસ અને ૨ રાત્રીનો રહેશે, જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ, હેન્ડ્સ-ઓન લર્નિંગ, એક્સપર્ટ માર્ગદર્શન અને સાયન્ટિફિક એક્સપ્લોરેશન તથા ફિલ્ડ વિઝીટ દ્વારા વિષયને ઊંડાણપૂર્વક સમજવાની તક મળશે. કેમ્પનો ફોકસ માત્ર શીખવા પર નહીં પરંતુ “અનુભવીને સમજવા” પર રાખવામાં આવ્યો છે.
દરેક કેમ્પમાં માત્ર ૫૦ બેઠકો મર્યાદિત રાખવામાં આવી છે, જેથી દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત ધ્યાન અને ઉચ્ચ ગુણવત્તાવાળો અનુભવ મળી શકે. આ ૩-દિવસીય રેસિડેન્શિયલ કેમ્પ માટે ટોકન ફી ફ્ક્ત રૂપિયા ૧૦૦૦/- છે, જેમાં રહેવાની વ્યવસ્થા સાથે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીભોજન સામેલ છે.
આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઓનલાઈન નોંધણી કરાવતા સમયે માંગેલ વિગતો અચૂક ભરવાની રહેશે. જો વિગત અધૂરી રહેશે તો નોંધણી માન્ય ગણાશે નહીં. રેસિડેન્સિયલ સમર સાયન્સ કેમ્પ – ૨૦૨૬ માં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ જે તે પસંદગી આધારિત વિષય નક્કી કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને એકથી વધુ કેમ્પમાં ભાગ લેવાની તક ઉપલબ્ધ છે, પરંતુ દરેક પસંદ કરેલા કેમ્પ માટે અલગથી નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવે છે. કેમ્પસ અંગેની વધારે માહિતી મેળવવા માટે ૦૨૮૧ – ૨૯૯૨૨૦૨૫ પર સંપર્ક કરી શકાય છે.
આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારશક્તિને પ્રેરિત કરવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં નવી શોધ, નવી દિશાઓ અને નવી શક્યતાઓ તરફ આગળ વધી શકે. મર્યાદિત બેઠકોને ધ્યાનમાં રાખીને રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વહેલી તકે નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવે છે. રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ – ૨૦૨૬ માં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશન લિંક https://tinyurl.com/RSCSSC છે.




