RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ: પી.ડી. માલવિયા કોલેજમાં ડૉ. સંદીપ ધેટીયાનો વિદાય વંદના સમારોહ અને ‘મૂલ્ય અને શિક્ષક’ પુસ્તકનું ભવ્ય વિમોચન

તા.૨૦/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

શ્રી પી.ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, રાજકોટ ખાતે ડૉ. સંદીપ ધેટીયાસાહેબના વિદાય વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. ભરત રામાનુજ, પ્રિન્સિપાલશ્રી ડૉ. તુષાર પંડ્યા તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમ દરમિયાન શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ડૉ. સંદીપ ધેટીયાસાહેબના સેવાકાળની પ્રશંસા સાથે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ઉપસ્થિત વક્તાઓએ તેમના શૈક્ષણિક કાર્ય, નેતૃત્વ અને સંસ્થાના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે શ્રી પી. & ટી વી શેઠ હાઇસ્કૂલ-રાજકોટના શિક્ષક શ્રી ડૉ.વિમલભાઈ ભટ્ટ રાજકોટ જીલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સંયોજક શ્રી દ્વારા રચાયેલ પુસ્તક **”મૂલ્ય અને શિક્ષક”**નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં શિક્ષકના વ્યક્તિત્વમાં મૂલ્યોનું મહત્વ, આધુનિક શિક્ષણમાં મૂલ્યઆધારિત અભિગમ અને સમાજ નિર્માણમાં શિક્ષકની કેન્દ્રસ્થિત ભૂમિકા પર તત્વચિંતનાત્મક રજૂઆત કરવામાં આવી છે.

ભાવનગર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ભરત રામાનુજસાહેબે પોતાના ઉદબોધનમાં મૂલ્યઆધારિત શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ સમાજના સંસ્કાર અને મૂલ્યોના નિર્માતા છે. પ્રિન્સિપાલશ્રી ડૉ. તુષાર પંડ્યાસાહેબે પણ પુસ્તકને સમયોચિત અને માર્ગદર્શક ગણાવી તેના વિષયવસ્તુની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકમિત્રો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓએ પુસ્તક વિમોચન પ્રસંગે લેખકને અભિનંદન પાઠવ્યા હતા તથા ડૉ. સંદીપ ધેટીયાસાહેબના આગલા જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમ શિક્ષણક્ષેત્રે મૂલ્યઆધારિત વિચારધારાને મજબૂત બનાવતો અને પ્રેરણાદાયક સાબિત થયો હતો.

Back to top button
error: Content is protected !!