THARADVAV-THARAD

થરાદના શિવનગર વિસ્તારમાં ચૂંટણી વચ્ચે દારૂનો આતંક, મહિલાઓ પોલીસ સ્ટેશન પર ચઢી!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે શિવનગર વિસ્તારમાં દારૂના વધતા આતંક સામે મહિલાઓએ બળવો કરી દીધો છે. વોર્ડ નંબર 1 અને 5ની અનેક મહિલાઓ ઉમેદવારો સાથે સીધી પોલીસ સ્ટેશન દોડી પહોંચી અને દારૂના ખુલ્લા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું.

મહિલાઓનો આક્ષેપ છે કે વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે યુવાનો બગડી રહ્યા છે અને પરિવારોમાં ઝઘડા વધી રહ્યા છે. “પાણી જેવી મૂળભૂત સુવિધા નથી મળતી, પરંતુ દારૂ ઘર સુધી સરળતાથી પહોંચે છે,” એવી કટાક્ષભરી વાતે મહિલાઓએ તંત્રને આઈનો બતાવ્યો.

મહિલાઓએ રાજકીય તત્વો પર પણ ગંભીર આરોપ લગાવ્યા. ખાસ કરીને ભાજપના કેટલાક ઉમેદવારો દ્વારા ઘરે-ઘરે દારૂનું વિતરણ થતું હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, આ કારણે સમાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે અને સાંજ પડતા જ રસ્તાઓ પર નશામાં ધુત લોકો દેખાય છે. જેના કારણે બહેન-દીકરીઓની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

મહિલા આગેવાન ગીતાબેન નાઈના નેતૃત્વમાં મહિલાઓએ સ્પષ્ટ ચેતવણી આપી: “હવે સહન નહીં કરીએ!” તેમણે જણાવ્યું કે અગાઉ જીગ્નેશ મેવાણીના પ્રયત્નોથી દારૂ પર થોડું નિયંત્રણ આવ્યું હતું, પરંતુ હાલ ફરીથી સ્થિતિ બેકાબૂ બની છે.

મહિલાઓએ વધુમાં ચેતવણી આપી કે જો પોલીસ તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો 300-400 મહિલાઓ સાથે મોટું આંદોલન કરશે અને પોલીસ સ્ટેશન સામે ધરણા પર ઉતરશે.

આ મામલે પોલીસ અધિક્ષકએ મહિલાઓને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક પોલીસ ટીમ મોકલી દારૂના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને સંકળાયેલા તત્વો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!