MEHSANAVIJAPUR

વિજાપુર ડાભલા લૂંટકાંડનો પર્દાફાશ : વિદેશ મોકલવાના બહાને રૂ. ૬૪ લાખની લૂંટ, બે માસ્ટરમાઈન્ડ ઝડપાયા

વિજાપુર ડાભલા લૂંટકાંડનો પર્દાફાશ : વિદેશ મોકલવાના બહાને રૂ. ૬૪ લાખની લૂંટ, બે માસ્ટરમાઈન્ડ ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ડાભલા ગામે વિદેશ મોકલવાના બહાને યુવકોને જાળમાં ફસાવીને કરવામાં આવેલી રૂ. ૬૪ લાખની લૂંટનો ભેદ અંતે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. વસઈ પોલીસ સ્ટેશનની હદમાં ૨૦ એપ્રિલે બનેલી આ સનસનાટીભરી ઘટનામાં પોલીસે બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે રૂ. ૨૪ લાખની રોકડ અને ઉપયોગમાં લેવાયેલી કાર કબજે કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી નિલેશભાઈ બ્રહ્મભટ્ટે ફરિયાદીના પુત્ર સહિત બે યુવકોને ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈને તેમને પ્રથમ દિલ્હી બોલાવ્યા બાદ મહેસાણાના ‘રાધે ગેસ્ટ હાઉસ’ ખાતે રોકવામાં આવ્યા હતા. ગત ૧૯ એપ્રિલે પૂર્વનિયોજિત રીતે હથિયારધારી શખ્સો ગેસ્ટ હાઉસમાં ઘૂસી આવ્યા હતા અને પિસ્તોલ જેવા હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૬૪ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસ.પી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ એસ.આર. ચૌધરીએ અલગ-અલગ ટીમો રચી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અને ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર GJ-19-CM-9169) નો પત્તો લગાવી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
પોલીસે દરોડા પાડી લૂંટના માસ્ટરમાઈન્ડ ગણાતા વીશનસિંહ ભંવરસિંહ રાઠોડ (રહે. જોધપુર, રાજસ્થાન) અને ભાવેશ ઘનશ્યામભાઈ વાળંદ (રહે. વડોદરા) ની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સમગ્ર કાવતરું વડોદરાના ભાવેશ વાળંદે રચ્યું હતું અને લૂંટને અંજામ આપવા માટે રાજસ્થાનથી ખાસ માણસો બોલાવ્યા હતા. હાલ પોલીસ ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ તથા બાકી રહેલી રકમની વસૂલી માટે વધુ તપાસ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!