
નર્મદા જિલ્લામાં મતદાન પૂર્વે ૭ જેટલા ડિસ્પેચિંગ-રિસીવીંગ સેન્ટર ખાતેથી ચૂંટણીલક્ષી સાધન સામગ્રી વિતરણ કરાઈ
મતદાન મથકો માટે ઇવીએમ, પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી તેમજ મતદાર યાદી સહિત જરૂરી તમામ સામગ્રી પૂરી પાડવામાં આવી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આવતી કાલે મતદાન યોજાનાર છે. તે સંદર્ભે આજે જિલ્લામાં તમામ મતદાન મથકો માટે ચૂંટણીલક્ષી સાધન સામગ્રીનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજપીપલા નગરપાલિકા ચૂંટણી હેઠળના કુલ ૨૯ મતદાન મથકો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી હેઠળના કુલ ૬૦૭ મતદાન મથકો માટે કુલ ૭ ડિસ્પેચિંગ-રિસીવીંગ સેન્ટરો મારફતે સામગ્રી વિતરણ કરવામાં આવી હતી.

રાજપીપલા નગર પાલિકા ચૂંટણી અધિકારી અને નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીર કૌરે જણાવ્યું હતું કે, રાજપીપલા નગરપાલિકાના તમામ ૨૯ મતદાન મથકો માટે આદર્શ નિવાસી કુમાર શાળા, રાજપીપલા ખાતે સ્થિત ડિસ્પેચિંગ-રિસીવીંગ સેન્ટર પરથી ચૂંટણીલક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવી હતી. જેમાં ૧ થી ૦૫ ઝોનલ રૂટમાં આવતાં મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતુ કે, પોલિંગ ટીમમાં પ્રિસાઈડિંગ ઓફિસર, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, ઝોનલ ઓફિસર/સેકટર મેજિસ્ટ્રેટ સહિત મદદનિશ ઝોનલ ઓફિસરને જરૂરી સામન વિતરણ કરી રવાના કરવામાં આવ્યા હતાં.
નાંદોદ તાલુકા, જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર વિધુ ખૈતાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, દજિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયમ મહાવિદ્યાલય ખાતેના કેન્દ્ર પરથી ૧ થી ૧૯ ઝોનલ રૂટમાં સમાવિષ્ટ ૧૧૩ જેટલા મતદાન મથકો માટે સામગ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. મતદાન મથકો માટે ઇવીએમ, પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી તેમજ મતદાર યાદી સહિત જરૂરી તમામ સામગ્રી પૂરી પાડવામાં આવી છે જે બસ મારફતે મતદાન મથક સુધી પહોંચાડવામાં આવેલ છે.
આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાતાઓને મતદાન દરમિયાન કોઈ તકલીફ ન પડે તે તેમજ હીટ વેવથી બચવા માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ, મતદાન મથકો પર છાયડાની વ્યવસ્થા તથા પીવાના પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.




