પશુપાલકો માટે વરદાનરૂપ બનતી ૧૯૬૨ એનીમલ હેલ્પલાઈન સેવા*

*પશુપાલકો માટે વરદાનરૂપ બનતી ૧૯૬૨ એનીમલ હેલ્પલાઈન સેવા

તાહિર મેમણ – આણંદ – 25/04/2026 -રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી ૧૯૬૨ અને ફરતા પશુ દવાખાનાની સેવા કાર્યરત છે. આ સેવામાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન નંબર પર ફક્ત એક કોલ કરીને અબોલ પશુઓ માટે સારવાર મેળવી શકાય છે અને સેવાનો લાભ મેળવી શકાય છે.
આણંદ જિલ્લામાં છેલ્લા ૦૬ વર્ષથી કાર્યરત ફરતું પશુ દવાખાનાની સેવા એટલે કે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા લાખોની સંખ્યામાં અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ૧૯૬૨ હેલ્પ્લાઇન સેવા દ્વારા જિલ્લાના અંદાજીત ૨૯,૮૮૯ જેટલાં પશુઓને સારવાર આપવામાં આવી છે.
આ સેવા અંતર્ગત વેટરનરી ડોકટર (પશુ ચિકિત્સક) દ્વારા બિનમાલિકીના તેમજ પાળેલા/માલિકીના દુધાળા પશુઓ જેવા કે ગાય, ભેંસ, બકરી અને તે સિવાય શ્વાન તથા બિલાડી જેવાં પશુઓની પણ નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. જિલ્લામાં કાર્યરત ૧૯૬૨ હેલ્પલાઇન દ્વારા છેલ્લા એક વર્ષમાં ૧૩૬૦૬ ભેંસો, ૯૮૯૮ ગાયો, ૨૩૧૧ બકરીઓ, ૩૫૫૭ શ્વાન, ૨૪૦ ઘેટાઓ અને ૨૭૭ બિલાડીની સારવારનો સમાવેશ થાય છે.
૧૯૬૨ સેવાનો મુખ્ય હેતુ જિલ્લાના માલિકીના તથા બિનમાલિકી પશુઓની નિઃશુલ્ક સારવાર કરવાનો છે અને આણંદ જિલ્લામાં આ સેવા અબોલ જીવો અને પશુપાલકો માટે વરદાનરૂપ સાબિત થઈ છે.




