TANKARA:હડાળામાં ‘કન્યાદાન’ પૂર્વે ‘મતદાન’ – નવવધૂ નિધિબેન ભાલોડિયાએ માંડવેથી મતદાન મથક પહોંચી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી





TANKARA:હડાળામાં ‘કન્યાદાન’ પૂર્વે ‘મતદાન’ – નવવધૂ નિધિબેન ભાલોડિયાએ માંડવેથી મતદાન મથક પહોંચી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી

આજે જ્યારે સમગ્ર રાજ્યમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે હડાળા ગામેથી રાષ્ટ્રપ્રેમ અને જાગૃતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. હડાળા ગામની નવવધૂ નિધિબેન ભાલોડિયાએ પોતાના લગ્ન પ્રસંગના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ સમય ફાળવીને મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણા પૂરી પાડી છે.

લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહેલા નિધિબેન લગ્નનો શણગાર સજી, લગ્ન ચોરી ના ચાર ફેરા ફરી ને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા. હાથમાં મહેંદી અને લગ્નના પહેરવેશમાં સજ્જ આ નવવધૂને જોઈને મતદાન મથક પર ઉપસ્થિત અન્ય લોકો પણ આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા હતા.
“માતા-પિતાએ કન્યાદાન કર્યું, મેં મતદાન કર્યું”
મતદાન કર્યા બાદ અત્યંત ગર્વ સાથે નિધિબેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે:
“આજે મારા જીવનનો ખૂબ જ મહત્વનો દિવસ છે. મારા માતા-પિતાએ આજે મારું ‘કન્યાદાન’ કર્યું છે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે મેં લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લઈને ‘મતદાન’ કર્યું છે. સંસારના નવા પગરણ માંડતા પહેલા મેં રાષ્ટ્ર પ્રત્યેની મારી ફરજ પૂરી કરી છે, જેનો મને અપાર આનંદ છે.”
નિધિબેનનો આ રાષ્ટ્રપ્રેમ જોઈને ગ્રામજનોએ તેમને વધાવી લીધા હતા. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે તેમના આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે લગ્નની ધમાલમાં લોકો ઘણીવાર મતદાન કરવાનું ટાળતા હોય છે, પરંતુ નિધિબેને સાબિત કરી દીધું છે કે રાષ્ટ્રહિત માટે સમય કાઢવો એ દરેક નાગરિકની પ્રાથમિકતા હોવી જોઈએ.




