કાલોલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, પાંચ વાગ્યા સુધીમાં તાલુકા પંચાયતમાં 61.05% અને જિલ્લા પંચાયતમાં 58.87% મતદાન.

તારીખ ૨૬/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત કાલોલ જિલ્લા પંચાયતની ચાર અને તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી.વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ અને ઉમળકો જોવા મળ્યો હતો. નાગરિકો સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બન્યા હતા.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. દરેક મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત સાથે EVM અને VVPAT મશીનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.મતદાન કરનાર નાગરિકોએ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા, જેના કારણે સમગ્ર તાલુકામાં લોકશાહી પ્રત્યેનો સકારાત્મક માહોલ સર્જાયો હતો.ચૂંટણી તંત્રના આંકડા મુજબ, સાંજે 5 વાગ્યા સુધીમાં કાલોલ તાલુકા પંચાયતની 18 બેઠકો પર 61.05% જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો પર 58.87% મતદાન નોંધાયું છે. સમગ્ર દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વિના શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું.







