
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં નિશાણા જિલ્લા બેઠકનાં ધામાલા ફળિયામાં 900 મીટર રસ્તા માટે 146 મતદારોએ લોકશાહીના પર્વનો કર્યો બહિષ્કાર,ચૂંટણીના માહોલ વચ્ચે ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં નિશાણા બેઠકનાં ધામાલા ફળિયામાંથી લોકશાહીના પર્વનો બહિષ્કાર કરવામાં આવેલ છે. સુબીર તાલુકાના નિશાણા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા નિશાણા ગામ-2 નાં ધામાલા ફળીયાના સ્થાનિકોએ આ વખતે મતાધિકારનો ઉપયોગ ન કરી ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.ધામાલા ફળીયાના રહીશો લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તેમના વિસ્તારમાં માત્ર 900 મીટરનો આંતરિક રસ્તો પાકો બનાવવાની માંગણી વર્ષોથી અધ્ધરતાલ છે.રસ્તાના અભાવે ચોમાસામાં અને ઇમરજન્સીના સમયે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રસ્તાની સાથે સાથે પીવાના પાણીની વિકટ સમસ્યા પણ આ બહિષ્કારનું મુખ્ય કારણ બની છે.વારંવાર રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા આખરે સ્થાનિકોએ એકસૂરે મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો.આ ફળીયામાં કુલ 146 જેટલા નોંધાયેલા મતદારો છે. લોકશાહીમાં એક-એક મતનું મહત્વ હોવા છતાં, વિરોધ સાથે આ તમામ મતદારો મતદાનથી અળગા રહ્યા હતા. મતદાનના દિવસે પોલિંગ સ્ટેશન પર અધિકારીઓ હાજર હતા, પરંતુ સાંજ સુધી આ ફળીયામાંથી કોઈ પણ મતદાર પોતાનો મત આપવા મતદાન મથક સુધી પહોંચ્યુ ન હતુ.146 મતદારોના સામૂહિક બહિષ્કારને પગલે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી અમારા ફળીયામાં પાકો રસ્તો અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં થાય, ત્યાં સુધી શાસન કે પ્રશાસન પ્રત્યેનો અમારો આ વિરોધ યથાવત રહેશે. વિકાસની વાતો વચ્ચે અંતરિયાળ વિસ્તારના આ દ્રશ્યો તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે..





