
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ—જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ રહી છે. જિલ્લાના કુલ ૩૩૭ મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાંજે ૫ વાગ્યા સુધી સરેરાશ ૭૭.૧૭ ટકા મતદાન નોંધાયું છે.
ડાંગ જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો માટે કુલ ૫૨ ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે ત્રણ તાલુકા પંચાયતોની ૪૭ બેઠકો માટે ૧૧૬ ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧,૯૩,૫૮૮ મતદારોમાંથી સાંજે ૫ વાગ્યા સુધી ૧,૪૫,૩૪૨ મતદારો મતદાન કરી ચૂક્યા છે. જેમાં ૭૨,૯૪૭ પુરુષ અને ૭૨,૩૯૫ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયતની બેઠકોમાં સૌથી વધુ મતદાન ૩/બરડાં બેઠક ઉપર ૮૦.૦૨ ટકા નોંધાયું, જ્યારે સૌથી ઓછું મતદાન ૧/આહવા-૧ બેઠક ઉપર ૫૩.૪૯ ટકા નોંધાયું છે.
તાલુકાવાર મતદાનની સ્થિતિ: આહવા તાલુકા પંચાયતમાં ૭૪.૩૫ ટકા મતદાન નોંધાયું છે. અહીં ૧૬/વાસુર્ણાં બેઠક ઉપર ૮૧.૧૩ ટકા સાથે સૌથી વધુ મતદાન નોંધાયું, જ્યારે ૧૦/કલમવિહિર બેઠક બિનહરીફ જાહેર થવાને કારણે ૦.૦૦ ટકા મતદાન નોંધાયું.
વઘઈ તાલુકા પંચાયતમાં સૌથી વધુ ૮૧.૯૭ ટકા મતદાન નોંધાયું છે, જે જિલ્લામાં સૌથી ઊંચું પ્રમાણ છે. અહીં ૧૦/મોટામાળુંગા બેઠક ઉપર ૮૮.૭૮ ટકા સાથે રેકોર્ડ સ્તરનું મતદાન થયું, જ્યારે ૧/વઘઈ બેઠક ઉપર ૭૦.૧૪ ટકા મતદાન નોંધાયું.
સુબીર તાલુકા પંચાયતમાં સરેરાશ ૭૬.૦૮ ટકા મતદાન નોંધાયું છે. જેમાં ૧૦/ખાંબલા બેઠક ઉપર ૮૩.૮૧ ટકા સૌથી વધુ અને ૧૧/કિરલી બેઠક ઉપર ૭૨.૪૫ ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
તંત્રની સજ્જતા અને મતદારોનો ઉમળકો: જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ હતી. વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો અને લોકશાહીના આ પર્વમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મતદાનનો સમય સાંજના ૬ વાગ્યા સુધીનો હોવાથી અંતિમ આંકડા બાદમાં જાહેર થશે.
મતગણતરી ૨૮ એપ્રિલે: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી આગામી તા. ૨૮ એપ્રિલ, મંગળવારે આહવા ખાતે સરકારી માધ્યમિક શાળા, વઘઈ ખાતે તાલુકા સેવા સદન અને સુબીર ખાતે તાલુકા સેવા સદનમાં યોજાશે.




