
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
શંખેશ્વર મહાતીર્થ ખાતે જહાજ મંદિરે ‘શ્રી પાર્શ્વ પ્રેમરત્ન જલધારા’ (પાણીની પરબ)નું ભવ્ય ઉદ્ઘાટન
માનવતાના મસીહા પૂ. આચાર્યશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની ૫૦મી દીક્ષા તિથિ નિમિત્તે માનવસેવાનું ભગીરથ કાર્ય
મુંદરા, તા. 27:
જૈન ધર્મના પવિત્ર ધામ શંખેશ્વર મહાતીર્થ સ્થિત જહાજ મંદિર ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ‘શ્રી પાર્શ્વ પ્રેમરત્ન જલધારા’ (પાણીની પરબ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ જલધારાનું નિર્માણ માનવતાના મસીહા પમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબની ૫૦મી દીક્ષા તિથિ (ગોલ્ડન જુબિલી)ના પાવન પ્રસંગે કરવામાં આવ્યું છે.
પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેવકાર્યમાં પ.પૂ. મુનિરાજ શ્રી નયશેખર મહારાજ સાહેબના મંગળ સદઉપદેશથી માતુશ્રી રંજનબેન ધનજી ભાણજી દેઢિયા તથા વિનોદભાઈ ધનજી ભાણજી દેઢિયા પરિવાર (ગામ: કચ્છ કોડાય, હાલે: મુંબઈ મલાડ, કવિતા રિબન એન્ડ ટેક્સટાઇલ LLP) દ્વારા ઉદાર હાથે આર્થિક સહયોગ આપી લાભ લેવામાં આવ્યો હતો.
જળ એ જ જીવનનો સંદેશ:
આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને સંબોધતા મુનિરાજ શ્રી નયશેખર મહારાજ સાહેબે જણાવ્યું હતું કે “પાણી એ માત્ર વપરાશની વસ્તુ નથી, પરંતુ તે સાક્ષાત્ જીવદાતા છે. જળ સ્ત્રોતોનું સન્માન કરવું અને તેનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક અને પર્યાવરણીય ફરજ છે. ભારતીય સંસ્કૃતિમાં પરબની પરંપરા એ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આજના સમયમાં જળ બચાવવા માટે લોકજાગૃતિ અત્યંત અનિવાર્ય છે તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
કાર્યક્રમની વિશેષતા:
* પરબનો પ્રારંભ તક્તીના અનાવરણ દ્વારા વિધિવત રીતે કરવામાં આવ્યો હતો.
* પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારની ઉમદા ભાવનાની મુક્ત કંઠે પ્રશંસા અને અનુમોદના કરવામાં આવી હતી.
* આ માંગલિક પ્રસંગે મુંબઈ, અમદાવાદ, કચ્છ અને રાજસ્થાન સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ગુરુભક્તો અને શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવનિર્મિત જલધારા શંખેશ્વર આવતા અસંખ્ય યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



