AHAVADANG

ડાંગનાં આહવા તાલુકામાં કૉંગ્રેસની બહુમતી,વઘઇ તાલુકામાં ટાઈ જ્યારે સુબિર તાલુકામાં ભાજપાને બહુમતી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પેટા:-ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપા–કૉંગ્રેસ વચ્ચે કાંટેની ટક્કર સર્જાઈ.ત્રણેય તાલુકામાં મિશ્ર પરિણામો, ક્યાંક બહુમતી તો ક્યાંક ટાઈની સ્થિતિ..

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો જાહેર થતા જ ભાજપા અને કૉંગ્રેસ બન્ને પક્ષોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.જિલ્લાના ત્રણેય તાલુકા પંચાયતોમાં અલગ અલગ રાજકીય પરિસ્થિતિ ઉભી થતાં રાજકીય ગરમાવો વધી ગયો છે.આહવા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનો દબદબો, ભાજપાનો ગઢ તૂટ્યો

આહવા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી કૉંગ્રેસે 9 બેઠકો જીતી બહુમતી મેળવી છે, જ્યારે ભાજપાને 7 બેઠકો સંતોષ માનવો પડ્યો છે. વર્ષોથી ભાજપાનો ગઢ માનાતો આહવા તાલુકો હવે કૉંગ્રેસના કબ્જામાં જતાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર નોંધાયો છે.જ્યારે વઘઇ તાલુકા પંચાયતમાં ટાઈ થતા તડજોડની રાજનીતિ આગળ વધશે.વઘઇ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાં ભાજપા અને કૉંગ્રેસ બન્નેએ 8-8 બેઠકો મેળવતા ટાઈની સ્થિતિ સર્જાઈ છે.આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં સત્તા સ્થાપવા માટે બન્ને પક્ષો તડજોડ અને ગઠબંધનની રાજનીતિ અપનાવશે તેવી શક્યતા છે.જ્યારે સુબિર તાલુકામાં ભાજપાની સ્પષ્ટ બહુમતી મળી છે.

સુબિર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપાએ 12 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે.જ્યારે કૉંગ્રેસને 4 બેઠકો મળતા તે અહીં મર્યાદિત અસર ધરાવે છે.એકંદરે ત્રણેય તાલુકા પંચાયતમાં મિશ્ર જનાદેશ મળતા રાજકીય ચહલપહલ તેજ બની છે.ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકામાં મળેલા પરિણામો દર્શાવે છે કે મતદાતાઓએ સ્પષ્ટ રીતે કોઈ એક પક્ષને સંપૂર્ણ સમર્થન આપ્યું નથી. સુબિરમાં ભાજપા મજબૂત બની છે, આહવામાં કૉંગ્રેસે ગઢ તોડી જીત મેળવી છે અને વઘઇમાં ટાઈની સ્થિતિએ રાજકીય હલચલ વધારી છે. આવનારા દિવસોમાં તડજોડ અને સત્તા સ્થાપનાને લઈને ભાજપા-કૉંગ્રેસમાં રાજકીય દાવપેચ વધુ તેજ બનશે..

Back to top button
error: Content is protected !!