અંધારી આલમ એટલે શું ! એમ.એમ.દવે નિવૃત જેલર અમદાવાદ મધ્યસ્થ જેલ

તા.28/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
અંધારી આલમ એટલે તો ક્રાઈમની દુનિયા ! પણ અંધારી આલમનો મૂળભૂત અર્થ તો જ્યાં રાતના અંધારામાં કાળા અને ગુન્હાહિત કૃત્યો થતા હોય આ કાળા કામ કોઈને દેખાય નહી એટલે જ્યાં અજવાળાને પ્રવેશવા દેવામાં ન આવે, જ્યાં ઊંડી ઊંડી અંધારી ગલીઓમાં પોલીસ વાહન પ્રવેશી ન શકે એવી રચના હોય જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય જ્યાં અમુક અસમાજિક તત્વોનું આધિપત્ય હોય છે આવા વિસ્તારને “અંધારી આલમ’ કહેવાય છે. દરેક શહેરમાં અંધારી આલમનું અસ્તિત્વ હોય છે. પરંતુ સમજવાનું એ છે કે દરેક સંતાનોના માતા પિતા અને દરેક સ્કૂલના શિક્ષકો બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ અને સુરક્ષિત ઇચ્છતા હોય છે. નાનપણથી સારું શિક્ષણ સારા સંસ્કારનું સિંચન મા બાપ કરતા હોય છે. પોતાની ક્ષમતા કરતા વધુ ખર્ચ કરીને પણ બાળકોના ઉતમ ભવિષ્ય માટે મા બાપ બધું જ કરી છૂટે છે. દરેક યુવાનો યુવતીઓ પોતે પણ ઇચ્છતા હોય છે કે પોતે સારું શિક્ષણ મેળવી સારા સ્ટેટ્સ સાથે ઉતમ લાઇફ બનાવે પરંતુ કોઈ ઈચ્છતા નથી કે સંતાનો ભવિષ્યમાં મોટા ગુન્હેગાર બની જેલમાં જઇને પરિવારનું નામ રોશન કરે ! અરે રીઢા ગુન્હેગારો પણ નથી ઈચ્છતા હોતા કે પોતાનું સંતાન અંધારી આલમમાં પ્રવેશ કરે! ઘણા એવા મોટા ગુન્હેગારો મેં જોયા છે કે પોતાની ક્રિમીનલ લાઇફની છાંયા એમના સંતાનો ઉપર ન પડે એટલે એમનાથી દૂર વિદેશમાં રાખી શિક્ષણ આપતા હોય છે. મને તાજુબ એ લાગે છે ગુન્હેગાર બનવા માટે કે દારૂ કે ડ્રગ્સના વ્યસની બનવા કે ધંધાર્થી બનવા માટે ક્યાંય ટ્યુશન ક્લાસ નથી ચાલતા કોઈ સ્કૂલ કોલેજોમાં તાલીમ આપવામાં નથી આવતી છતાં વગર મહેનતે દેશમાં અને રાજ્યમાં આટલા બધા ગુન્હેગાર પેદા ક્યાંથી થાય છે ? દેશની જેલો યુવાન ગુન્હેગારોથી કેમ ઉભરાય છે ? હજારો લાખો ક્રિમીનલ જન્મે છે કે બને છે? આશ્રચર્યની વાત એ પણ છે કે માબાપ, શિક્ષકો, ધર્મગુરુઓ, આટલી મહેનત કરે સાથે સાથે પોલીસતંત્ર ન્યાયતંત્ર જેલતંત્ર અસ્તિત્વમાં છે છતાં વગર મહેનતે ક્રિમીનલ્સની સંખ્યા કેમ વધતી જ જાય છે.
તો મારા અનુભવ ઉપરથી આજે વાત કરવી છે કે આ દેશમાં એક શબ્દ અસ્તિત્વમાં છે જે મને બિલકુલ નથી ગમતો એ શબ્દ છે “સમર્થકો ” કોઈ પણ હેબીચલ ક્રિમિનલ હોય કે રાજકીય ગુન્હેગાર હોય કે નકલી ભગવધારી ઠગ હોય પણ એમની આજુબાજુ વીંટળાઈને રહેતા લાલચુ સમર્થકો જ નાના છોડમાંથી માંથી વટવૃક્ષ એટલે નાના માંથી મોટો ગુંડો બનાવે છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય કે ગોંડલ હોય કે કચ્છ હોય કે અમદાવાદ દરિયાપુર હોય બધી જગ્યાએ અમુક વ્યક્તિએ વરસો સુધી શાસન ભોગવ્યું છે. દાખલા તરીકે ભૂતકાળમાં અમદાવાદનો અબ્દુલ લતીફ સાબરમતી જેલમાં હોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક સાથે પાંચ સીટ ઉપર વિજેતા થયેલ એની પાછળનું કારણ શું? એ કોઈ સંત ફકીર ન હતો પણ હજારો એવા સમર્થકો એની સાથે હતા જેમનો સ્વાર્થ સમાયેલો હતો. એટલે એમની નજરમા આવા ગુન્હેગારો વીર ભામાશા હોય છે. મારી નજરે મેં જોયું છે કે આવા ગુંડા તત્વો ગમે તેવા ઘૃણાસ્પદ કૃત્ય કરી જેલમાં આવે છે ત્યારે એના સમર્થકોના ટોળા કોર્ટ પરિસર અને જેલની બહાર ઊભા હોય છે. જ્યારે જેલ મુક્ત થાય છે ત્યારે પણ સંખ્યાબંધ લોકો ઢોલ નગારા સાથે એના સ્વાગત કરવા ઉત્સુક હોય છે આ દૃશ્ય જેલની બારીમાંથી જોઈએ ત્યારે લોકશાહીનું મસ્તક શરમથી જુકી જાય છે. જો આવા સમર્થકો ન હોય તો કોઈ ગુન્હેગાર છોડમાંથી વૃક્ષ બની શકે જ નહીં. પરંતુ આપણા દેશમાં દરેક ગુંડા તત્વોની પાછળ એના સમર્થકોનું સમર્થન એને પ્રતિષ્ઠિત નાગરિક ગણાવે છે. કુખ્યાત બુટલેગરોના સમર્થકો હજારોની સંખ્યામાં હોય છે. દેશની કમનસીબી છે કે આવા તત્વોને મળવા માટે જેલોમાં સમર્થકોની લાઇન લાગે છે. જેલમાંથી પણ એમની કૃપા દ્રષ્ટિ મેળવવા સમર્થકોની હોડ લાગે છે. ફળ સ્વરૂપે આવા અસામાજિક તત્વો પોતાની જાતને ધર્માત્મા સમજવા લાગે છે. પોતાને ખબર જ હોતી નથી કે પોતે મોટો ગુન્હેગાર છે. કારણ કે એની આજુબાજુ રહેતા સમર્થકોની નાની મોટી જરૂરિયાતો પૂરી કરે એટલે જે તે સમાજના લોકો એનો જય જય કાર કરી જે તે વિસ્તારમાં એને ક્રાંતિકારી ચીતરે છે. અત્રે ઉલ્લેખનીય છે આવા તત્વો પાસે હજારો લોકોનું સમર્થન (વોટબેંક) હોવાથી એને ઘણીવાર રાજકીય નેતાની ઓથ મળી જાય છે, પોલીસ અધિકારીઓ અને કહેવાતા ધર્મગુરુઓનાં પણ આવા અસામાજિક તત્વો નજીકના મિત્રો હોય છે. માત્ર સાચા અર્થમાં સજ્જનો જ આવું બધું જોઈને અંદરથી દુઃખી થતા હોય છે બાકી વધુ લોકોને વિસ્ટા ઉપર અત્તર છાંટવુ ગમતું હોય છે જેથી એમને ક્યારેય દુર્ગંધ આવતી નથી.
આવા તત્વો દેશને ચૂસી લે, બેન દીકરીની ઈજ્જત લૂંટે, ગમે એવડા કૌભાંડ કરે કે ગમે તેની હત્યા કરે પણ સમાજ માટે વર્ષના એકવાર સમૂહ લગ્નનું આયોજન કરી અને વરસે બે વખત ધાર્મિક કાર્યક્રમ ગોઠવી સમૂહ ભોજન કરાવી નાખે એટલે સમર્થકોને ક્યારેય એનો અભાવ આવતો નથી. એવો કોઈ પણ ક્રિમીનલ દેશમાં નથી કે જેને જેલમાં કોઈ મળવા ન આવતું હોય! ક્રિમીનલને પ્રેમ કરનાર સમર્થકો છે ત્યાં સુધી અંધારી આલમનો અંત તો ક્યારેય નહી આવી શકે. પરંતુ ખુદા કે ઘર દેર હૈ અંધેર નહી. વિનાશ કાળે વિપરીત બુધ્ધિ. આવા કોઈ પણ ગુન્હેગારનો અંત હમેશા ખરાબ આવે છે. પોલીસની ગોળીએ વીંધાય અથવા દુશ્મનના હાથે કમોતે મરે અથવા કેન્સર જેવા જીવલેણ રોગથી અથવા અકસ્માતે મૃત્યુ મળે છે, અથવા આખરે એવા કોઈ ગંભીર ગુન્હામાં ફસાય છે આખરે ધીરે ધીરે સમર્થકો પણ સાથ છોડી દે છે જેલોની ચાર દીવાલો વચ્ચે રિબાઈ રિબાઈ કૂતરાના મોત મરતા જોયા છે.અસ્તુ જયહિંદ જય જય ગરવું ગુજરાત…


