
વિજાપુરમાં એ.સી.બી.નો સફળ ટ્રેપ ગ્રામ સેવક રૂ.૫ હજારની લાંચ લેતા ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત હેઠળ કાર્યરત એક ગ્રામ સેવકને એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યો છે. જાગૃત નાગરિકની ફરીયાદના આધારે હાથ ધરાયેલા ટ્રેપમાં આરોપી પાસેથી રૂ.૫,૦૦૦/- ની લાંચની રકમ કબ્જે કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અજયસિંહ કાનુસિંહ રાજપુત (ગ્રામ સેવક – કરાર આધારીત) દ્વારા ફરીયાદીને સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના તથા નવી જાહેર થયેલ સહાય યોજના હેઠળ મળનારી કુલ રકમમાંથી બાકી હપ્તાઓ ઝડપી મેળવી આપવા બદલ રૂ.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરીયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
ફરીયાદના આધારે એ.સી.બી. ગાંધીનગર એકમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. આયોજન મુજબ આનંદપુરા સર્કલ ખાતે ટ્રેપ દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૫,૦૦૦/- ની લાંચ સ્વીકારી હતી. ત્યારબાદ એ.સી.બી.ની ટીમે તરત જ આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો અને લાંચની સંપૂર્ણ રકમ કબ્જે કરી હતી.
આ ટ્રેપ કામગીરી કે.કે. દેસાઈ (ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. ગાંધીનગર) દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક એ.કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં નાયબ નિયામક શ્રી હરેશ મેવાડા (એ.સી.બી. અમદાવાદ) માર્ગદર્શન હેઠળ ટીમે સફળતા મેળવી હતી.
આ બનાવ અંગે એ.સી.બી. દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.



