KAMREJSURATSURAT CITY / TALUKO

શેખપુર ગ્રામ પંચાયત સામે મહિલાઓ દ્વારા સત્યાગ્રહ’ના મંડાણ!

શેખપુર: હરિ દર્શન સોસાયટીની ૨૦૦ મહિલાઓનો હિંમતભર્યો પડકાર

[કામરેજ.શેખપુર]

લોકશાહીમાં ચૂંટણી વખતે અપાતા વાયદાઓ જ્યારે ‘જૂઠ્ઠાણાં’ સાબિત થાય ત્યારે જનતાનો આક્રોશ કેવો હોય, તેનું જીવંત ઉદાહરણ કામરેજ તાલુકાના શેખપુરમાં જોવા મળી રહ્યું છે. હરિ દર્શન સોસાયટીમાં પાણીના ટીપે-ટીપા માટે તરસતી મહિલાઓએ હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કરી લીધું છે.

ભાષણબાજીથી પેટ ભરાયું, હવે પાણી જોઈએ!

સોસાયટીના રહીશોનો સીધો અને વેધક સવાલ છે: “ચૂંટણી વખતે હાથ જોડનારા નેતાઓ અત્યારે મોઢું કેમ છુપાવે છે?” મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીમાં ઉમેદવારો લાંબી-લચક ભાષણબાજી કરીને મતો અંકે કરી લે છે, પણ સત્તા મળ્યા પછી જનતાને તેમના હાલ પર છોડી દેવામાં આવે છે. પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આજે મહિલાઓએ સોસાયટીના પ્રમુખ ભનુભાઈ ચૌહાણ પાસે ઉગ્ર રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

પ્રમુખ ભનુભાઈ ચૌહાણે તંત્રને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો ૨૦૦થી વધુ મહિલાઓ સાથે મળીને ત્રિસ્તરીય આંદોલન કરવામાં આવશે:

પડાવ ૧: શેખપુર ગ્રામ પંચાયતનો ઘેરાવો.

પડાવ ૨: કામરેજ તાલુકા પંચાયતમાં રજૂઆત.

પડાવ ૩: સુરત જિલ્લા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન.

નેતાઓના ખોટા વાયદાઓ અને તંત્રની લાપરવાહી વચ્ચે હરિ દર્શન સોસાયટીના રહીશો પીસાઈ રહ્યા છે. શું આ માત્ર એક સોસાયટીની સમસ્યા છે કે પછી આખી પંચાયતની કાર્યશૈલી પર સવાલ છે? જો જનતાને પાયાની સુવિધા માટે પણ રસ્તા પર ઉતરવું પડતું હોય, તો ‘વિકાસ’ના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાય છે.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!