GUJARATOLPADSURAT

ઓલપાડ ના સ્યાદલા ગામે આદિવાસી વિશ્વ દિવસની ભવ્ય ઉજવણી

સુરત જિલ્લાના સ્યાદલા ગામ ખાતે તા. 9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ બાદ નીકળી ભવ્ય રેલી; ઓલપાડ ખાતે જાહેર સભામાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા

ઉજવણીના પ્રારંભે સ્યાદલા ગામ ખાતે ભગવાન બિરસા મુંડાના સ્ટેચ્યુનું પૂજન કરી પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ-બહેનો જોડાયા હતા. રેલી દરમિયાન આદિવાસી એકતા, પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

સ્યાદલા ગામેથી પ્રસ્થાન કરેલી રેલી સાયણ, પરીયા અને ઓલપાડ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલી બાદ ઓલપાડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કારેલીના સરપંચ રાકેશભાઈ, ઓલપાડ તાલુકા પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારો, આદિવાસી સમાજના આગેવાનો તથા સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રેલીમાં જોડાઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.

કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની એકતા, પરંપરા, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો. તેમજ ભગવાન બિરસા મુંડા સહિતના મહાન આદિવાસી મહાનુભાવોના વિચારો અને સંઘર્ષને યાદ કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, એકતા અને હર્ષોલ્લાસના માહોલમાં સંપન્ન થયો હતો.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત

Back to top button
error: Content is protected !!