
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા – 08 ઓગસ્ટ : સારસ્વતમ્ ટ્રસ્ટ સંચાલિત 20 શાળાઓના ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર આચાર્યો, 100 ટકા વિષય પરિણામ આપનાર શિક્ષકો તથા 80 ટકાથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સારસ્વતમ્ ટ્રસ્ટ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણાના વિદ્યાર્થીઓ ઈકરા, હેતલ, કૃપા, તનવીર અને પૃથ્વી દ્વારા સંગીતમય પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સારસ્વતમ્ ટ્રસ્ટનાં અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેન શેઠ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ટ્રસ્ટના માનદ મંત્રી ડૉ. વી. વિજયકુમાર, કોષાધ્યક્ષ નર્મદાબેન ઠક્કર, અન્ય ટ્રસ્ટીશ્રીઓ, DEO પ્રતિનિધિ જતીનભાઈ નિમાવત, વહીવટી અધિકારી મુલેશભાઈ દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સારસ્વતમ્ ટ્રસ્ટ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણાએ SSC તથા HSCમાં સતત ત્રણ વર્ષ 100 ટકા પરિણામ પ્રાપ્ત કરી શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ બદલ શાળાના આચાર્ય ડો. વી.એમ. ચૌધરી સાહેબને મોમેન્ટો અર્પણ કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના 100 ટકા વિષય પરિણામ બદલ શ્રી કિશનભાઇ.બી. પટેલ – ગણિત, શ્રીમતી આશાબેન.આર. પટેલ – વિજ્ઞાન, શ્રી અલ્પેશભાઈ.એચ. જાની – અંગ્રેજી તથા સંસ્કૃત વિષયના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ધો.12 માં અંગ્રેજી વિષયના 100% પરિણામ બદલ ભૂમિબેન વોરાને સન્માનિત કરાયા હતા.ધોરણ 10માં હેતલ રવજી આયર – 87.83 ટકા અને શ્રેયા મહેન્દ્રભાઈ ભાનુશાલી – 87 ટકા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.જ્યારે ધોરણ 12માં ખતુબાઈ હસણ સોરા – 88.14 ટકા, કોમલ શામજી આહીર – 85 ટકા, કંચનબેન હરેશકુમાર ગરવા – 84.83 ટકા, મયુર વિશા આહીર – 84.47 ટકા, હેતલબેન મમુભાઈ ડાંગર – 81.88 ટકા, જશુબાઈ ભચા આયર – 80.14 ટકા અને પાર્થ દિપકભાઇ ભાનુશાલી – 79.57 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વળી, સંગીતમય પ્રાર્થના રજૂ કરનાર શાળાના વિધાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.સમારોહમાં શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણાની ધોરણ 11ની વિદ્યાર્થીની વંશી નીતિનભાઈ ભાનુશાલીને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. વંશીએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી કચ્છનું ગૌરવ વધારી દેવભૂમિ હરિદ્વાર સ્થિત ગાયત્રી તીર્થ–શાંતિકુંજ ખાતે યોજાનારી રાષ્ટ્રીય શિબિરમાં આમંત્રિત કરાયા હતા.સારસ્વતમ્ ટ્રસ્ટ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને જાહેર સન્માન આપી પ્રોત્સાહિત કરવાની આ પહેલથી વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ પરિણામ સાથે સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.























