કામરેજ શેખપુર ગ્રામ પંચાયતમાં ‘મનરેગા’ અને ‘સ્ટ્રીટ લાઈટ’ના કામોમાં પારદર્શિતા લાવવા જાગૃત નાગરિક મેદાને

કામરેજ:શેખપુર સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ખરેખર કેટલો અને ક્યાં ઉપયોગ થાય છે, તે જાણવા માટે હવે ગ્રામજનો જાગૃત બન્યા છે. કામરેજ તાલુકાના શેખપુર ગ્રામ પંચાયતમાં એક જાગૃત નાગરિક દ્વારા ‘માહિતી અધિકાર’ (RTI) હેઠળ પંચાયતના વિવિધ કામોની વિગતો માંગવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મનરેગા યોજના (MNREGA): યોજના હેઠળ ગામમાં કયા કયા લાભાર્થીઓને રોજગારી મળી છે, કેટલા કામો મંજૂર થયા અને તે માટે ચૂકવવામાં આવેલી રકમની સંપૂર્ણ વિગત માંગવામાં આવી છે.
સ્ટ્રીટ લાઈટ ગ્રાન્ટ: ગામમાં સ્ટ્રીટ લાઈટના નવા પોલ, ફિટિંગ અને તેના મેન્ટેનન્સ માટે કઈ ગ્રાન્ટમાંથી કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની લેખિત માહિતીની માંગણી કરી છે.
ગ્રાન્ટનો સદુપયોગ: પંચાયતને મળેલી સરકારી ગ્રાન્ટ અને તેના વહીવટમાં કોઈ ક્ષતિ તો નથી ને, તે ચકાસવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
ઘણીવાર ગ્રામીણ વિસ્તારોમાં કાગળ પર કામો બતાવી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. શેખપુરના જાગૃત નાગરિકનું કહેવું છે કે, “ગામના વિકાસ માટે આવતા પૈસાનો સચોટ હિસાબ ગ્રામજનો પાસે હોવો જોઈએ. સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધા અને મનરેગા જેવી રોજગારલક્ષી યોજનામાં પારદર્શિતા હોવી અનિવાર્ય છે.”
“લોકશાહીમાં જનતા જ જનાર્દન છે. જ્યારે નાગરિકો જાગૃત થઈને હિસાબ માંગે છે, ત્યારે જ તંત્રમાં રહેલી ભ્રષ્ટાચારની બદીઓ અટકે છે.”
હવે જોવાનું એ રહે છે કે, શેખપુર ગ્રામ પંચાયત દ્વારા આ માહિતી કેટલા સમયમાં અને કેટલી સ્પષ્ટતા સાથે આપવામાં આવે છે. આ ઘટના અન્ય ગામો માટે પણ જાગૃતિનો સંદેશ સમાન બની રહી છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત






