NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ‘નકશા’ પ્રોજેક્ટ અંતર્ગત ૪ મે થી ગ્રાઉન્ડ ટ્રુથિંગ શરૂ

વાત્સલ્યમ સમાચાર

     નવસારી

નવસારી મહાનગરપાલિકા તથા મહેસૂલ વિભાગ દ્વારા શહેરના જમીન રેકોર્ડને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલા ‘નકશા’ (NAKSHA) પ્રોજેક્ટ અંતર્ગત આગામી તા. ૦૪ મે ૨૦૨૬, સોમવારથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ કામગીરીનો પ્રથમ તબક્કો હાંસાપોર વિસ્તારથી શરૂ કરવામાં આવશે.

‘નકશા’ પ્રોજેક્ટ ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ અમલમાં મૂકાયેલ મહત્વપૂર્ણ યોજના છે. જેના માધ્યમથી શહેરના જમીન રેકોર્ડને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવશે અને જીઆઈએસ (GIS) ટેકનોલોજી દ્વારા સચોટ નકશાકીય માહિતી તૈયાર કરવામાં આવશે.

શું છે ગ્રાઉન્ડ ટ્રુથિંગ?

ગ્રાઉન્ડ ટ્રુથિંગ એ સેટેલાઇટ અથવા ડ્રોન દ્વારા મેળવાયેલ ઈમેજને જમીન પર જઈને ચકાસવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અંતર્ગત સરકાર દ્વારા માન્ય ટીમો સ્થળ પર જઈ મિલકતોની વાસ્તવિક સ્થિતિની તપાસ કરશે.

કાર્યવાહી દરમિયાન શું થશે?

ગ્રાઉન્ડ ટ્રુથિંગ દરમિયાન સિટી સર્વે અને મહાનગરપાલિકાના અધિકારીઓની સંયુક્ત ટીમ દરેક મિલકતની મુલાકાત લેશે. મિલકતનું માપણી કાર્ય કરવામાં આવશે તેમજ ત્યાં હાજર માલિક અથવા કબજેદારનો નિવેદન લેવામાં આવશે. આ સાથે નમૂના નં. ૨ હેઠળ નોટિસ પાઠવવામાં આવશે, જેમાં મિલકત સંબંધિત પુરાવા રજૂ કરવાની સૂચના આપવામાં આવશે.

આવશ્યક દસ્તાવેજો:

મિલકતધારકોએ નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે:

* બિનખેતી (NA) હુકમ

* મંજૂર લેઆઉટ પ્લાન

* બાંધકામ રજાચિઠ્ઠી અને બી.યુ. પરમિશન

* ગામ નં. ૭ અને ૬ (હકકપત્રક)

* રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અને ઈન્ડેક્સ-૨

* જમીન ફાળવણી હુકમ

* આકારણી પત્રક સહિતના અન્ય સંબંધિત દસ્તાવેજો

પ્રોજેક્ટના મુખ્ય લાભો:

આ પ્રોજેક્ટના અમલથી શહેરમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલાતમાં પારદર્શિતા અને ચોકસાઈ આવશે. ટાઉન પ્લાનિંગ માટે સચોટ નકશા તૈયાર થવાથી નવા રસ્તા, બગીચા અને માળખાકીય સુવિધાઓના આયોજનમાં સહાય મળશે. ગટર અને પાણી લાઈન સંબંધિત ખામીઓ ઝડપથી શોધી શકાશે. સાથે જ મિલકત માલિકીમાં પારદર્શિતા વધશે અને જમીન સંબંધિત વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ટીમોની કામગીરી દરમિયાન સંપૂર્ણ સહકાર આપે અને જરૂરી દસ્તાવેજો રજૂ કરી પ્રોજેક્ટને સફળ બનાવવામાં સહભાગી બને.

Back to top button
error: Content is protected !!