પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર 2 મેના ફરીથી મતદાન થશે.

પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર 2 મેના ફરીથી મતદાન થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 2 મેના દક્ષિણ 24 પરગણાના મગરહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના 11 બૂથ અને ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તારના ચાર બૂથ પર ફરીથી મતદાન થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ 15 બૂથ પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય મગરહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તાર અને ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તારના રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો પાસેથી મળેલા અહેવાલોના આધારે લેવામાં આવ્યો છે. ચૂંટણી સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે.
ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાન દરમિયાન મળેલી ગોટાળાની ફરિયાદોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ચૂંટણીની નિષ્પક્ષતા જળવાઈ રહે.
15 બૂથ પર ફરીથી મતદાનની જાહેરાત સાથે ચૂંટણી પંચ અન્ય વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તે હજુ પણ ફાલ્ટા વિધાનસભા મતવિસ્તાર સંબંધિત ફરિયાદોના અહેવાલની રાહ જોઈ રહ્યું છે. ફાલ્ટાના અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવશે કે અન્ય કોઈ બૂથ પર ફરીથી મતદાન જરૂરી છે કે નહીં. ચૂંટણી પંચની ટીમો જિલ્લાઓમાંથી ફરિયાદો અને મતદાન મથકોના અહેવાલોની સતત સમીક્ષા કરી રહી છે.
નોધનીય છે કે, આ બેઠકો માટે બીજા તબક્કામાં 29 એપ્રિલે મતદાન થયું હતું, પરંતુ ચૂંટણી પંચે તેને રદ કરી દીધું છે અને ફરીથી ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેમને 29 એપ્રિલે આ મતદાન મથકો પર મતદાન દરમિયાન ગેરરીતિઓની ફરિયાદો મળી હતી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.





