ANJARGUJARATKUTCH

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અંજારનો પ્રથમ વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો.

અંજારના આંગણે મળેલી સરકારી કોલેજ વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ સાબિત થશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૦૧ મે : માનનીય મંત્રી ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ અને પ્રેરક ઉપસ્થિતિમાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ અંજારનો ‘તરવરાટ’ નામે પ્રથમ વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાઈ ગયો. જેમના અથાક પ્રયત્નો થકી અંજાર વિસ્તારને સરકારી કૉલેજ પ્રાપ્ત થઈ છે એવા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કોલેજ મેળવવાની યાત્રા વર્ણવીને એ કોલેજે એક વર્ષમાં મેળવેલ સફળતા માટે રાજીપો વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ તેમાં વિશેષરૂપે દીકરીઓ માટે આ કોલેજ વરદાનરૂપ સાબિત થશે એવો ભાવ વ્યક્ત કરી મંત્રી એ સાંસ્કૃતિક કાર્યક્રમ, શિક્ષણ તેમજ સમગ્ર વ્યવસ્થા તથા આચાર્ય ડૉ.સી.એસ.ઝાલા અને તેમની સમગ્ર ટીમની મહેનતને બિરદાવી હતી. ભવિષ્યમાં આ જ કૉલેજમાં વિજ્ઞાન શાખા પણ ઉમેરવાની તેમની ભાવના પણ વ્યક્ત કરી હતી. ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર એવી કોલેજ કેવી રીતે સમાજ ઘડતરમાં ભૂમિકા ભજવી શકે તેની વાત કરતા પ્રથમ જ વર્ષે ભવ્ય કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત કોલેજના સુચારુ સંચાલન માટે મદદરૂપ થનાર અંજાર નગરપાલિકાથી માંડીને આસપાસની કંપનીઓની સેવાને બિરદાવી હતી. રાજ્યમંત્રી તરફથી કોલેજ કેમ્પસની બાઉન્ડરી અને પેવર બ્લોક માટે ફાળવાયેલા રૂપિયા પંદર લાખની ગ્રાન્ટની નોંધ લઈ કૉલેજ પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. કૉલેજના પ્રથમ જ વર્ષે આસપાસની કંપનીઓના સી.એસ.આર. ફંડમાંથી મળેલી મદદની મંત્રી એ સરાહના કરી હતી.

કાર્યક્રમનો શુભારંભ મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીનું સાલ, મોમેન્ટો અને વિદ્યાર્થીનિઓએ તૈયાર કરેલ ચિત્ર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે કંપનીઓના પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું. ઉપસ્થિત સૌ મહાનુભાવોને પણ મંત્રી ના હસ્તે સન્માનિત કરાયાં હતાં. કોલેજના દીપ, કલ્પેશ, હાર્દિક અને માનસી એમ ચાર વિદ્યાર્થી મિત્રોને મંત્રી ના હસ્તે એવોર્ડ અપાવી સન્માનિત કરાયાં હતાં. મંત્રી એ કોલેજના વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરેલ સ્ટોલની મુલાકાત લઈ તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. કૉલેજના વિદ્યાર્થી બહેનો ભાઈઓએ નૃત્ય, ગાયન, ડાયરો, વક્તવ્ય , કાવ્યપાઠ, તલવાર રાસ, પરંપરાગત વેશભૂષામાં રેમ્પ વોક વગેરે કૃતિઓ રજૂ કરી સૌના મન હરી લીધાં હતાં. ડૉ.શિલ્પા હડિયાએ પ્રથમ વર્ષની ઉપલબ્ધિઓની વિગતે માહિતી આપી કોલેજના વિકાસની રેખા અંકિત કરી આપી હતી. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમમાં સર્વ અગ્રણીઓ હિતેનભાઈ વ્યાસ, ડેનીભાઈ શાહ, સુરેશભાઈ ટાંક, વસંતભાઈ કોડરાણી, મુકેશભાઈ છાંગા, અશ્વિનભાઈ સોરઠીયા, કલ્પેશભાઈ મરંડ , દિગંતભાઈ ધોળકિયા, તેજપાલભાઈ લોચાણી ,નીલેશભાઈ ગોસ્વામી, પાર્થ સોરઠિયા, તેજસ મહેતા તેમજ નગરના પ્રબુદ્ધ લોકો,વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમનું સંચાલન ડૉ. રમજાન હસણિયા અને પ્રા.દેવાંશી પંડ્યાએ સંભાળ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કૉલેજ પરિવારે વિશેષ જહેમત લીધી હતી.

Back to top button
error: Content is protected !!