ARAVALLIMODASA

મોડાસા પેલેટ ચોકડી પર ટ્રાફિકનો ત્રાસ, ઓવરબ્રિજ માટે ઉઠી જોરદાર માંગ – સતત સર્જાતી પરિસ્થિતિ કાયમી બની 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા પેલેટ ચોકડી પર ટ્રાફિકનો ત્રાસ, ઓવરબ્રિજ માટે ઉઠી જોરદાર માંગ – સતત સર્જાતી પરિસ્થિતિ કાયમી બની

શહેરની વ્યસ્ત પેલેટ ચોકડી પર દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. દરરોજ હજારો લોકો અને લાખો વાહનો અહીંથી પસાર થાય છે, જેના કારણે સતત ટ્રાફિક જામ, અવ્યવસ્થા અને અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે. સ્થાનિક લોકો માટે આ ચોકડી હવે જોખમી પોઈન્ટ બની ગઈ છે

આ મુદ્દે અનેક વખત વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ટ્રાફિક નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાતા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં સમસ્યા યથાવત જ રહી છે. જેના કારણે સ્થાનિક લોકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, પીક અવર્સ દરમિયાન અહીં લાંબા ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે સમયનો બગાડ થાય છે અને અકસ્માતની શક્યતાઓ પણ વધે છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરો માટે આ સ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે.જનહિત અને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેલેટ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની માંગ હવે જોર પકડી રહી છે. લોકોનું કહેવું છે કે જો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.સ્થાનિકોએ સરકાર અને માર્ગ-મકાન વિભાગને આ મુદ્દે ગંભીરતા દાખવી તાત્કાલિક સર્વે અને આયોજન શરૂ કરવાની માંગ કરી છે. વિકાસના દાવાઓ વચ્ચે જો આ જેવી મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, તો સામાન્ય જનતાને સતત હાલાકીનો સામનો કરવો પડશે.

Back to top button
error: Content is protected !!