
તળાજામાં મળી આવેલા પતિ પત્નીના મૃતદેહ મામલે નવો વળાંક આવ્યો પોતાના જ પુત્ર અને પુત્ર વધુએ હત્યા કરી મધરાતે આશરે 1:30 વાગ્યા પહેલા કોઈ પણ સમયે આ ઘટના બની હોવાનો અંદાજ છે, જ્યાં કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનના મૃતદેહો સળગેલી હાલતમાં તેમના જ ઘરેથી મળી આવ્યા હતા. પ્રાથમિક રીતે આ ઘટના શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાથી થયેલ મૃત્યુ તરીકે માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે બનાવની જાણ થતાં તળાજા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રામટેકરી વિસ્તારમાં તેમના ઘરેથી બન્નેના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે ખસેડયો હતો. દંપતિ તેમના ઘરે સુતા હતા ત્યારે આગ લાગવાના કારણે દાઝી ગયા હોવાના મૃતક દંપતિના નિવેદનના આધારે તળાજા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સીસીટીવી અને ટેકનિકસ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતદેહોના પીએમ રિપોર્ટમાં કિશોરભાઈનું ગળુ દબાવીને જ્યારે રેખાબેનની અન્ય રીતે હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે મૃતક કિશોરભાઈના સાળા અને મૃતક રેખાબેનના ભાઈ રાજેશભાઈ દામજીભાઈ રાણીંગા (રહે.સુરત)ને બોલાવી પીએમ રિપોર્ટ અંગે જણાવતા સગ્ગા મામા રાજેશભાઈએ પોતાના બહેન બનેવીની હત્યા માટે ભાણેજ વિમલ કિશોરભાઈ વૈઠા અને તેના પત્નિ હેતલબેને સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને બનાવને લઈ પહેથી જ શંકા હતી. વિમલ પોતાના પિતા કિશોરભાઈ પાસે રૂપિયાની વારંવાર માગણી કરતો હતો. વિમલ ઉપર દેવું વધી જતાં મકાન, દુકાન અને માતા રેખાબેનના ઘરેણાં વેચીને પણ રૂપિયા આપવાની માગણી કરતો હતો. તેને લઈ અવાર નવાર ઝઘડા થતા હતા. તેથી મિલકત પચાવી પાડવા માટે સગ્ગા દીકરાએ માતા-પિતાની હત્યા કરી, બાદમાં લાશ સળગાવી દીધાનો આરોપ લગાવ્યો છે. બનાવ અંગે તળાજા પોલીસે બી.એન.એસ કલમ ૧૦૩(૧), ૨૩૮(ચ), ૩(૫) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટ જીશાન ખૂંટ







