KAMREJSURATSURAT CITY / TALUKO

શેખપુર કરોડોના ખર્ચે સ્ટ્રીટ લાઈટો લગાવાઈ, પણ અંધારપટ યથાવત; ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી

શેખપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના બણગાં વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. ગામના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો તો લગાવી દેવામાં આવી છે, પરંતુ આ લાઈટો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. લાખોના ખર્ચે થયેલું આ લાઈટિંગનું કામ માત્ર કાગળ પર જ ‘પ્રકાશ’ ફેલાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વાસ્તવિકતામાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.

 

*રાત્રિના સમયે અંધારપટનો સામ્રાજ્ય*

ગામના રસ્તાઓ પર લાઈટો હોવા છતાં રાત્રિના સમયે ઘોર અંધારપટ જોવા મળે છે. અંધારાનો લાભ લઈને રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે રાત્રિના સમયે બહાર નીકળવું જોખમી બન્યું છે.

 

સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં, શેખપુર ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. લાઈટો બંધ હોવા પાછળનું કારણ મેન્ટેનન્સનો અભાવ છે કે પછી કોઈ મોટું કૌભાંડ, તે હવે તપાસનો વિષય છે. જનતાના વેરાના પૈસાનો આવો વેડફાટ જોઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

*મુખ્ય પ્રશ્નો જેનો જવાબ જનતા માંગી રહી છે:*

* જો લાઈટો ચાલુ જ નથી કરવાની તો લાખોનો ખર્ચ શા માટે કરવામાં આવ્યો?

* શું પંચાયત કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?

* બંધ લાઈટોના મેન્ટેનન્સ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ક્યાં વપરાય છે?

જો આગામી દિવસોમાં આ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે, તો શેખપુરના ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!