MORBI:મોરબી-હળવદ રોડ પરથી ટ્રક ટ્રેલરમાં બનાવેલા ‘ચોરખાના’ માંથી લાખોની કિંમતનો દારૂ ઝડપાયો





MORBI:મોરબી-હળવદ રોડ પરથી ટ્રક ટ્રેલરમાં બનાવેલા ‘ચોરખાના’ માંથી લાખોની કિંમતનો દારૂ ઝડપાયો

મોરબી: ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. ત્યારે મોરબી ક્રાઇમ બ્રાંચે આંદરણા ગામ પાસે વોચ ગોઠવીને ટ્રક ટ્રેલરના ચેસીસમાં બનાવેલા ખાસ ‘ચોરખાના’ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. ૨૦.૮૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.
મોરબી એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, ચરાડવા તરફથી મોરબી તરફ આવી રહેલા એક ટ્રક ટ્રેલર (નંબર GJ-39-TA-2090) ના ચેસીસમાં ગુપ્ત ખાનું બનાવી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે મોરબી-હળવદ રોડ પર આંદરણા ગામ પાસે આવેલી ભેરુનાથ હોટલ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રેલરના ચેસીસના ભાગે બનાવેલા ખાસ ખાનામાંથી દારૂની પેટીઓ મળી આવી હતી.
જપ્ત કરાયેલ મુદ્દામાલ વિદેશી દારૂની બોટલ: ૪૬૦૮ નંગ (કિંમત રૂ. ૫,૫૬,૮૦૦/-) બિયરના ટીન: ૯૬ નંગ (કિંમત રૂ. ૧૦,૨૭૨/-) અન્ય મુદ્દામાલ: ટ્રક ટ્રેલર સહિત કુલ રૂ. ૨૦,૮૭,૦૭૨/-આ મામલે પોલીસે ટ્રક ચાલક ધનારામ પુનઃમારામ ચૌધરી (રહે. બામરલા, જી. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા છે:૧. દમારામ જાંટ (રહે. ગીડાગામ, જી. બાડમેર) ૨. દુદારામ દમારામ ચૌધરી (રહે. લીલસર, જી. બાડમેર)મોરબી પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.



