શહેરાના સદનપુર-ભદ્રલા રોડ પરથી વન વિભાગે વગર પાસ-પરમિટના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી: ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. શહેરાના પરિક્ષેત્ર વન અધિકારી (RFO) શ્રી વી. જી. ગઢવીના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ વન વિભાગની ટીમે રાત્રિ દરમિયાન વોચ ગોઠવીને લાકડા ભરેલી એક ટ્રકને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી વિગતો અનુસાર, શહેરા રેન્જના સ્ટાફ દ્વારા સદનપુર-ભદ્રલા રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન રાત્રિના ૧૧:૦૨ કલાકે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી પંચરાઉ લાકડા ભરેલી ટ્રક (નંબર: GJ 09 Y 8970) ને વન વિભાગની ટીમે રોકી હતી. તપાસ દરમિયાન ચાલક પાસે લાકડાના વહન માટે જરૂરી પાસ કે પરમિટની માંગણી કરવામાં આવતા, તે રજૂ કરી શક્યા નહોતા. આથી વન વિભાગે ગેરકાયદેસર વહન ગણી ટ્રક અને લાકડા સહિત અંદાજે ૪,૩૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પર જ અટક કરી લીધો હતો.
આ સમગ્ર કામગીરીમાં આર.એફ.ઓ. વી. જી. ગઢવીની સાથે રાઉન્ડ ફોરેસ્ટર એસ. બી. માલીવાડ, વનરક્ષક વી. એમ. રાઠોડ (સાજીવાવ), વનરક્ષક બી. એન. રાવલ (શહેરા) તેમજ કાયમી રોજમદાર એ. બી. બારીયા અને ડી. એચ. પટેલીયા જોડાયા હતા. હાલમાં આ જપ્ત કરાયેલ મુદ્દામાલ વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કમ્પાઉન્ડમાં શ્રી સરકાર હસ્તક મૂકી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.







