PANCHMAHALSHEHERA

શહેરા ખાતે લાઇન સ્ટાફના પરિવારની ઉપસ્થિતિમાં સેફટી મિટિંગ અને મોકડ્રિલનું ભવ્ય આયોજન

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા:

 

એમજીવીસીલ વીજ કંપનીના શહેરા ૧ અને શહેરા ૨ પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ લાઇન પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને જાગૃતિના હેતુથી એક વિશેષ સેફટી મિટિંગ તેમજ તાલીમ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે તેમાં માત્ર કર્મચારીઓ જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ ખાસ નિમંત્રિત કરવામાં આવ્યા હતા. એમજીવીસીલ વડી કચેરી ના માર્ગદર્શન હેઠળ ગોધરા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર શ્રી પી. બી. પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરા-1 અને શહેરા-2 પેટા વિભાગીય કચેરી ના નાયબ ઈજનેર, જુનિયર ઈજનેર, તમામ લાઇન સ્ટાફ અને તેમના પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેથી કામના સ્થળે સુરક્ષાનું મહત્વ કર્મચારીની સાથે તેમનો પરિવાર પણ સમજી શકે.

 

કાર્યક્રમ દરમિયાન લાઇન સ્ટાફને ફરજ પર કામ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ અને કંપનીના નિયમો મુજબની કામગીરીની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. ફિલ્ડ પર કામ કરતી વખતે અકસ્માત નિવારી શકાય તે માટે સુરક્ષાના સાધનોનો ઉપયોગ અને ટેકનિકલ શિસ્ત કેટલી અનિવાર્ય છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. કર્મચારીઓમાં આ પદ્ધતિઓ પ્રત્યે દ્રઢતા આવે તે હેતુથી સ્થળ પર જ એક જીવંત મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાઇન પર કામ કરવાની આદર્શ રીતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 

અંતમાં, કાર્યપાલક ઈજનેરે સ્ટાફને સંબોધતા જણાવ્યું હતું કે દરેક કર્મચારીની સુરક્ષા એ એમજીવીસીલ કંપનીની પ્રાથમિકતા છે અને સુરક્ષાના નિયમોનું પાલન એ જ સુખદ કાર્યશૈલીનો પાયો છે. પરિવારની હાજરીમાં યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમથી કર્મચારીઓમાં જવાબદારીનો અહેસાસ વધ્યો હતો અને સમગ્ર વાતાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે ગુંજી ઉઠ્યું હતું.

Back to top button
error: Content is protected !!