KUTCHMUNDRA

કચ્છના ભાવિ શિક્ષકોની અગ્નિપરીક્ષા : 40 ડિગ્રીમાં 400 કિમીની ધક્કો, તંત્રની સંવેદનહીનતા અને પત્રકારોની ‘ઠંડી’ ઉદાસીનતા

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છના ભાવિ શિક્ષકોની અગ્નિપરીક્ષા : 40 ડિગ્રીમાં 400 કિમીની ધક્કો, તંત્રની સંવેદનહીનતા અને પત્રકારોની ‘ઠંડી’ ઉદાસીનતા

 

મુંદરા, તા. 4:

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TAT (માધ્યમિક) પ્રિલિમિનરી પરીક્ષામાં કચ્છના હજારો શિક્ષિત બેરોજગાર ઉમેદવારોની જે હાલત થઈ છે તે જોતા પ્રશ્ન થાય છે કે તંત્ર ખરેખર શિક્ષકો ઘડવા માંગે છે કે પછી તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપીને પાયમાલ કરવા માંગે છે? એકબાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને મહિલા સશક્તિકરણના દાવા કરે છે, ત્યારે બીજી બાજુ કચ્છની દીકરીઓને પરીક્ષા આપવા માટે છેક અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડે તે તંત્રની ઘોર નિષ્ફળતા અને ઓરમાયા વર્તનની ચાડી ખાય છે. આજના આધુનિક યુગમાં પણ કચ્છના 5000 જેટલા ગ્રેજ્યુએટ ઉમેદવારોને અમદાવાદના કેન્દ્રો ફાળવીને શિક્ષણ વિભાગે પોતાની અસંવેદનશીલતાનું પ્રદર્શન કર્યું છે.

■ નીટ (NEET) સ્ટુડન્ટ માટે લાલ જાજમ, જયારે TAT ઉમેદવારો ગરમીમાં લાલ. આવું કેમ?

 

ગઈકાલે રાજયમાં બે વિરોધાભાસી ચિત્રો જોવા મળ્યા. મેડિકલ પ્રવેશ માટેની NEET પરીક્ષા માટે કચ્છ જિલ્લામાં 4 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. માત્ર 1437 વિદ્યાર્થીઓ માટે કલેક્ટર, એસ.પી., પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતનો આખો કાફલો એસી ગાડીઓમાં દોડતો રહ્યો. શિક્ષકોની ઘટ વચ્ચે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે પણ આ ‘વીવીઆઈપી’ પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થયાનો સત્તાવાર આનંદ વ્યક્ત કરીને પરીક્ષા કેન્દ્ર માટે કચ્છના તંત્રની કાર્યદક્ષતાનો આડકતરો સ્વીકાર કર્યો છે.

પરંતુ પ્રશ્ન એ છે કે જે મેડિકલ પ્રવેશના વિદ્યાર્થીઓ માટે તંત્ર આટલું સજાગ છે ત્યારે તેમને પાયાનું શિક્ષણ આપનારા ‘શિક્ષકો’ ની પરીક્ષા માટે આ જ તંત્ર કેમ આંધળું-બહેરું બની જાય છે? 2 લાખથી વધુ ઉમેદવારો ધરાવતી TAT પરીક્ષા માટે કચ્છમાં એક પણ કેન્દ્ર કેમ નહીં? શું ભાવિ શિક્ષકો ગરીબ અને મધ્યમ વર્ગના છે એટલે તેમને ગમે ત્યાં ધકેલી દેવાના? માલેતુંજાર મેડિકલ સ્ટુડન્ટ માટે ‘લાડું’ અને શિક્ષકોને ‘લૂખી હાડમારી’ સહન કરવાની? શું ભાવિ શિક્ષકો માટે સ્થાનિક કક્ષાએ વ્યવસ્થા કરવી તંત્ર માટે ખરેખર શક્ય નથી?

■ હીટવેવની આગાહી વચ્ચે બપોરનો સમય : સરકારની ક્રૂર મજાક 

 

સરકાર એકબાજુ 12 થી 4 બહાર ન નીકળવાની એડવાઈઝરી જાહેર કરે છે ત્યારે TAT ની પરીક્ષા બપોરે 3 થી 6 ના સમયે રાખી ઉમેદવારોને જીવના જોખમે ગરમીમાં શેકાવવા મજબૂર કરાયા? એવી રાવ સાથે કદાચ નીટ પરીક્ષાને પ્રાધાન્ય આપવા માટે TAT ની પરીક્ષા બપોરના સમયે રાખવામાં આવી હશે? એવી ચર્ચા જોવા મળી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે આધુનિક યુગમાં સામાન્ય ગામડાની લગ્નની પત્રિકામાં પણ હવે ‘લોકેશન QR કોડ’ હોય છે ત્યારે શિક્ષણ વિભાગની હોલ ટિકિટમાં વારંવાર રજુઆત કરવા છતાં તેની અવગણના કરાતા અધૂરા સરનામાને કારણે ઉમેદવારો રઝળી પડતા જોવા મળ્યા હતા.

■ પરીક્ષા કેન્દ્રોમાં ‘જેલ’ જેવો માહોલ?

 

પરીક્ષા કેન્દ્રો પર સંચાલકોની જોહુકમી ત્યારે હદ વટાવી ગઈ જયારે ઉમેદવારોને સ્થળ પર 1 કલાક વહેલા પહોંચવાની સૂચના અપાયા છતાં પણ કાળઝાળ ગરમીમાં શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ ન અપાતા ‘ઇન્ટર નેશનલ પ્રેસ ફ્રીડમ ડે’ નિમિત્તે સ્થાનિક રિપોર્ટર પૂજા ઠક્કર દ્વારા રજૂઆત કરાતા મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરતા અમુક જગ્યાએ માંડ માંડ માત્ર ઉમેદવારોને કેન્દ્ર અંદર આશરો મળ્યો તે સારી વાત છે પણ આવી નાની બાબતો માટે પણ રાજ્યના વડા સુધી રજૂઆત કરવી પડે તે તંત્ર માટે શરમજનક બાબત કહી શકાય. સૌથી દુખદ બાબત તો એ રહી કે અમુક કેન્દ્રો પર સુરક્ષાના નામે હિન્દુ દીકરીઓની આસ્થા સમાન ‘કંઠી’ ઉતરાવવાના અમાનવીય કૃત્યો થયા જેનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

■ એસ.ટી. તંત્રની બેદરકારી અને મઘરાત્રે જાગતા વાલીઓ વચ્ચે લોકપ્રતિનિધિઓની જાગૃતિ :

 

પરીક્ષા પૂરી કરીને પરત ફરતી દીકરીઓ માટે અમદાવાદ ડેપો પર રાત્રે 11 વાગ્યાની બુકિંગ હોવા છતાં રાત્રે 1 વાગ્યા સુધી બસ ન આવી. અને એસ.ટી. તંત્ર પાસે બસ કે સંબધિત કંડક્ટરની વિશે કોઈ માહિતી પણ ઉપલબ્ધ નહોતી. આવા સમયે ‘અડધી રાત્રે યાદ કરજો’ ના બણગા ફૂંકતા મોટા ગજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન રહ્યા ત્યારે કચ્છ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષા છાયાબેન ગઢવીએ અંગત રસ લઈને દીકરીઓની પૂછપરછ કરી મઘરાત્રે જાગૃતિ બતાવી માનવતાનો દીવો પ્રગટાવ્યો હતો.

■ ‘કચ્છના મિત્ર’ નો પત્રકારત્વ કે પક્ષકારત્વ ધર્મ?

 

કચ્છના જે અખબારો પોતાને ‘મિત્ર’ ગણાવે છે તેમણે આજના અંકમાં તંત્રની વાહવાહી તો કરી પણ ગરીબ ઉમેદવારોની આ વેદનાને વાચા આપવામાં કંજૂસાઈ કરી હોય એવું જોવા મળે છે. મંત્રીશ્રીઓ જ્યારે ‘ઘોડાને તળાવ સુધી લાવવા’ ના ઉદાહરણ સાથે પત્રને સન્માન આપે છે ત્યારે તેમણે એ પણ જોવું જોઈએ કે ઘોડાનો અસવાર (ઉમેદવાર) ગરમીમાં દમ તોડી રહ્યો છે. ‘ગ્રીન ગોગલ્સ’ પહેરીને સૂકા ઘાસ (ધ્રબ)ને પણ લીલુંછમ ચિતરનાર પત્રકારોએ ગરીબ વિદ્યાર્થીઓની આંતરડી ન બળે તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ.

હવે જો મુખ્ય પરીક્ષામાં પણ કચ્છના ઉમેદવારોને અમદાવાદ જવું પડશે તો તે કચ્છના શિક્ષણ અને ભવિષ્ય માટે ‘અમૂલ્ય ભેટ’ નહીં પણ (સોનાની થાળીમાં) ‘લોઢાની મેખ’ સમાન સાબિત થશે. એવું શિક્ષણવિદોમાં ચર્ચાઈ રહ્યું છે. સત્ય હંમેશા કડવું હોય છે પણ પત્રકારત્વનો ધર્મ તેને ઉજાગર કરવાનો હોય છે એ વાત કચ્છના મિત્રોએ ભૂલવું ન જોઈએ. એવું નિરાશવદને કચ્છના ઉમેદવારોએ બળાપો કાઢતા જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!