ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લી – મનરેગા કર્મચારીઓની હાલત કફોડી : પાંચ મહિનાથી પગાર બાકી, આવતીકાલથી હડતાલની ચેતવણી – મેઘરજમાં આવેદનપત્ર આપવામાં આવ્યું 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – મનરેગા કર્મચારીઓની હાલત કફોડી : પાંચ મહિનાથી પગાર બાકી, આવતીકાલથી હડતાલની ચેતવણી – મેઘરજમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

અરવલ્લી જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ કામગીરી બજાવતા કર્મચારીઓની સ્થિતિ ગંભીર બની ગઈ છે. છેલ્લા પાંચ મહિનાથી પગાર નહીં મળતા કર્મચારીઓ આર્થિક સંકટમાં સપડાયા છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે

આ મુદ્દે ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના બેનર હેઠળ કર્મચારીઓએ સંગઠિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. મેઘરજ તાલુકામાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન કર્મચારીઓએ માથે કાળી પટ્ટી બાંધી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેઓ ગામડાંઓમાં રોજગાર યોજનાના અમલીકરણ માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવે છે, છતાં તેમને સમયસર વેતન આપવામાં આવતું નથી. વારંવાર રજૂઆતો અને લેખિત અરજીઓ કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, પગાર ન મળવાને કારણે ઘરખર્ચ, બાળકોના શિક્ષણ અને દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. આ પરિસ્થિતિ લાંબા સમયથી ચાલતી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ ન મળતા હવે કર્મચારીઓ આંદોલનના માર્ગે આગળ વધવા મજબૂર બન્યા છે.કર્મચારીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક બાકી પગાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ આવતીકાલથી હડતાલ પર ઉતરશે. હડતાલને કારણે મનરેગા હેઠળના વિકાસકાર્યો પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સમગ્ર મામલે હવે તંત્ર શું પગલાં લે છે અને કર્મચારીઓની માંગણીઓ ક્યારે સંતોષાય છે તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!