MORBI:મોરબી સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા ‘રામ ભરોસે’: સામાજિક કાર્યકરોનો તંત્ર સામે મોરચો





MORBI:મોરબી સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા ‘રામ ભરોસે’: સામાજિક કાર્યકરોનો તંત્ર સામે મોરચો

મોરબીની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા હોવાની ગંભીર ફરિયાદ સાથે શહેરના અગ્રણી સામાજિક કાર્યકરોએ તંત્રને લેખિત રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કરી છે. સિક્યુરિટી એજન્સીની ઘોર બેદરકારીને કારણે દર્દીઓ, મેડિકલ સ્ટાફ અને ખાસ કરીને મહિલા નર્સિંગ સ્ટાફની સુરક્ષા જોખમમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડીયા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, નવો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ અપાયા છતાં સ્થિતિ સુધરવાને બદલે બગડી છે. ઇમર્જન્સી વોર્ડમાં એક દર્દી સાથે 10 થી 15 લોકો ટોળે વળે છે, જેને રોકવા વાળું કોઈ નથી. એટલું જ નહીં, ઇમર્જન્સી ગેટ પાસે આડેધડ વાહન પાર્કિંગને કારણે ‘108’ એમ્બ્યુલન્સને નીકળવામાં મુશ્કેલી પડે છે, જે દર્દીઓના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.
રજૂઆતમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે આઈ.સી.યુ., ફિમેલ વોર્ડ અને ઓપરેશન થિયેટર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતી સિક્યુરિટી નથી. ઘણીવાર નશાખોર તત્વો હોસ્પિટલમાં ઘૂસી આવી મહિલા નર્સિંગ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરે છે. જો સિક્યુરિટી એજન્સી રેગ્યુલર હાજર નહીં રહે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને ડીનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
નિષ્ફળ ગયેલી સિક્યુરિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી સક્ષમ એજન્સીને જવાબદારી સોંપવી.
દરેક વોર્ડ અને સેન્સિટિવ એરિયામાં તાલીમબદ્ધ સ્ટાફ તૈનાત કરવો.
ઇમર્જન્સી સેવાના રસ્તાઓ કાયમી ધોરણે ખુલ્લા રાખવા.
મહિલા સ્ટાફ અને દર્દીઓ માટે સલામત વાતાવરણ ઊભું કરવું.આ બાબતે સામાજિક કાર્યકરોએ ધારાસભ્ય અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા કલેક્ટરને પણ જાણ કરી છે અને જનતાના હિતમાં તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. જો આગામી દિવસોમાં વ્યવસ્થા નહીં સુધરે તો ઉગ્ર આંદોલનની પણ શક્યતા સેવાઈ રહી છે.



