HALVAD:હળવદના ચરાડવા ગામે જૂના વેરની અદાવતમાં દંપતી પર હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ





HALVAD:હળવદના ચરાડવા ગામે જૂના વેરની અદાવતમાં દંપતી પર હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના ચરાડવા ગામે જૂના ઝઘડાનું વેર રાખી એક જ પરિવારના ત્રણ શખ્સોએ દંપતી પર લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ ચરાડવા ગામના વતની અને હાલ વડોદરાના ક્રુણાલ ચાર રસ્તા પાસે આવેલી સમતા સોસાયટીમાં રહીને વેપાર કરતા રીટાબેન પિન્ટુભાઈ હળવદીયા (ઉં.વ. ૩૦) એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ અમીત મનોજભાઈ હળવદીયા, ધર્મેશ મનોજભાઈ હળવદીયા અને વીરૂ મનોજભાઈ હળવદીયા (તમામ રહે. રાજલનગર, ચરાડવા) એ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખ્યો હતો.
ફરિયાદી રીટાબેન અને તેમના પતિ પિન્ટુભાઈ જ્યારે ગામમાં હતા, ત્યારે આ ત્રણેય આરોપીઓએ જૂના ઝઘડા બાબતે બોલાચાલી કરી બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે દંપતીએ ગાળો આપવાની ના પાડી, ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાના ધોકા વડે દંપતીને માર માર્યો હતો. હુમલાખોરોએ જતી વખતે દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી હુમલાના કારણો અને અન્ય વિગતો મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



