MORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:ખેડૂત આક્રોશ: “નોટિસો રદ કરો નહીંતર ગુજરાત સળગશે”, મહેશ રાજકોટીયાનું મુખ્યમંત્રીને છેલ્લું અલ્ટીમેટમ

MORBI:ખેડૂત આક્રોશ: “નોટિસો રદ કરો નહીંતર ગુજરાત સળગશે”, મહેશ રાજકોટીયાનું મુખ્યમંત્રીને છેલ્લું અલ્ટીમેટમ

 

મોરબી/ગાંધીનગર: મોરબી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓના પરિણામો જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ ખેડૂતોની જમીન પર અદાણીની 765 KV વીજલાઈન નાખવા માટે તંત્ર દ્વારા અપાયેલી નોટિસોએ વિવાદનું મધપૂડો છંછેડ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેતા મહેશ રાજકોટીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને અત્યંત આક્રમક ભાષામાં ‘આખરી અલ્ટીમેટમ’ આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 10 દિવસમાં આ નોટિસો રદ કરવામાં નહીં આવે, તો હજારો ખેડૂતો ગાંધીનગર અને કલેક્ટર કચેરીઓનો ઘેરાવો કરશે.

“ચૂંટણી બાદની દગાખોરી”: મહેશ રાજકોટીયાનો સીધો પ્રહાર

મહેશ રાજકોટીયાએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીમાં મત લીધા બાદ સરકારે ખેડૂતો સાથે દગાખોરી કરી છે. ઇન્ડિયન ટેલિગ્રાફ્ટ એક્ટની કલમ-16 (1) હેઠળ મોરબી કલેક્ટરે જે રીતે રાતોરાત નોટિસો ફટકારી છે, તેને રાજકોટીયાએ “અદાણી-અંબાણીની દલાલશાહી” ગણાવી છે.

પત્રમાં સરકારની નીતિઓ પર પ્રહાર કરતા 5 વેધક સવાલો પૂછવામાં આવ્યા છે:

ખેડૂત પુત્ર કે ઉદ્યોગપતિઓના નોકર? ચૂંટણી પહેલા ખેતરમાં કામ કરતી માતાના નામે મત માંગીને હવે ખેડૂતો પર જ બુલડોઝર કેમ?

લોકશાહી કે કંપની રાજ? ગ્રામસભાની મંજૂરી વગર કયા કાયદાથી અધિકારીઓ ખેડૂતોના ઘરે રાત્રે પહોંચી જાય છે?

વિકાસ કોના માટે? જો વીજળી અને નફો કંપનીને મળતો હોય, તો ખેડૂતની જમીન કેમ બંજર કરવામાં આવે છે?

ખેડૂત આતંકવાદી છે? રાત્રે 2 વાગ્યે પોલીસ મોકલીને ખેડૂતોમાં ભય કેમ ફેલાવવામાં આવે છે?

ખુરશી વહાલી કે ખેડૂત? સરકાર પોતાની પ્રાથમિકતા નક્કી કરી લે.

ખેડૂત સંગઠનની મુખ્ય માંગણીઓ:

મોરબીની તમામ નોટિસો તાત્કાલિક અસરથી લેખિતમાં રદ કરવામાં આવે.

ખેડૂતની 100% લેખિત સંમતિ વગર એક તસુ જમીન પર પણ કામ શરૂ ન થવું જોઈએ.

જમીન સંપાદન સામે બજાર ભાવના 4 ગણા વળતર સાથે 18% વ્યાજ અને પરિવારના સભ્યને કાયમી નોકરીની માંગ.

બળજબરી કરનાર અધિકારીઓ સામે IPC ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે.

આંદોલનની રણનીતિ: ‘ખેડૂત મહાકૂચ’ની તૈયારી

જો 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો મહેશ રાજકોટીયાએ નીચે મુજબના આંદોલનની જાહેરાત કરી છે:

મોરબી કલેક્ટર કચેરીએ 10,000 ખેડૂતોના આમરણ ઉપવાસ અને ઘેરાવો.

50,000 ખેડૂતો સાથે ગાંધીનગર વિધાનસભા પર ‘ખેડૂત મહાકૂચ’.

“ખેડૂત ગાંધીનો પૂજારી છે, પણ જો જમીન જશે તો ભગતસિંહ બનતા વાર નહીં લાગે. સંમતિ વગર ખેતરમાં પગ મૂકશો તો એ ખેતર જ તમારી કબર બનશે.” – મહેશ રાજકોટીયા

આ પત્રની નકલ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ મોકલવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોના આ આક્રોશ સામે નમશે કે પછી ગુજરાતમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે.

Back to top button
error: Content is protected !!