THARADVAV-THARAD

થરાદમાં ટ્રેક્ટર કૌભાંડનો ધડાકો : લોન ખેડૂતના નામે, ટ્રેક્ટર ગાયબ… શો-રૂમ સંચાલક સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપ!

વાત્સલ્ય­મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ મીઠા હાઈવે પર આવેલ ટ્રેક્ટર શો-રૂમ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર આક્ષેપો સામે આવતા ખેડૂત વર્ગમાં ચકચાર મચી ગઈ છે. સુઈગામ તાલુકાના રડકા ગામના ખેડૂત નારણભાઈ શંકરભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી આરોપ મૂક્યો છે કે ટ્રેક્ટર આપવાના બહાને તેમના પિતાના દસ્તાવેજો લઈ લાખોની લોન કરાવી ટ્રેક્ટર અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યું છે.

ફરિયાદ મુજબ આશરે દોઢ વર્ષ અગાઉ નારણભાઈ પટેલ ટ્રેક્ટર ખરીદવા થરાદ સ્થિત કુબોટા ટ્રેક્ટર શો-રૂમ પર ગયા હતા. તે સમયે શો-રૂમ સંચાલક બાબુભાઈ પટેલે વિશ્વાસમાં લઈ ફરિયાદીના પિતા શંકરભાઈ હેમરાજભાઈ પટેલના દસ્તાવેજો મેળવી લોન મંજૂર થતાં જ ટ્રેક્ટર સોંપવાની ખાતરી આપી હતી.

પરંતુ લોન મંજૂર થયા બાદ પણ ફરિયાદીને ટ્રેક્ટર આપવામાં આવ્યું નહોતું. ત્રણ મહિનાથી વધુ સમય સુધી આરોપી દ્વારા બહાના બતાવવામાં આવતા ખેડૂત પરિવાર રાહ જોતો રહ્યો હતો. આખરે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી માટે ઘરે પહોંચતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ફરિયાદીના જણાવ્યા મુજબ ઇન્ડસઇન્ડ બેંકમાંથી લોન નં. 960000395446 પરથી ટ્રેક્ટર ફાઈનાન્સ કરાયું હતું, પરંતુ ટ્રેક્ટર ફરિયાદીને આપવાના બદલે કચ્છ ખાતે કોઈ અજાણી વ્યક્તિને વેચી દેવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

વધુમાં આરોપ છે કે શરૂઆતમાં શો-રૂમ સંચાલકે હપ્તા પોતે ભરવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. જેના કારણે ખેડૂત પરિવાર આર્થિક નુકસાન સાથે માનસિક તણાવમાં મુકાયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

હાલ સમગ્ર મામલે ફરિયાદીએ આરોપી સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ સાથે થરાદ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!