કાલોલ ગોળીબાર ચોકડી પાસે હિટ એન્ડ રન: બેફામ બાઈક ચાલકે મજૂર પૌત્રનો ભોગ લીધો, દાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી.

તારીખ ૧૧/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગત તારીખ ૦૯/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે કાલોલના ગોળીબાર ચોકડી પાસે મલાવ રોડ પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો જ્યાં મજૂરી કરીને પગપાળા ઘરે પરત ફરી રહેલા ૩૦ વર્ષીય યુવકને પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા અજાણ્યા મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી બાઈક ચાલક નાસી છૂટ્યો હતો ત્યારે મૃતકની ઓળખ અર્જુનભાઈ ઉર્ફે ભાદો મંગાભાઈ નાયક ઉ.વ. ૩૦ તરીકે થઈ છે. આ બનાવ અંગે મૃતકના દાદી ગંગાબેન મોહનભાઈ નાયક ઉ.વ. ૬૫, રહે. ગોળીબાર, કાલોલ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અર્જુનભાઈ તેના માતા-પિતાના અવસાન બાદ દાદી ગંગાબેન સાથે રહેતો હતો અને મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. જ્યાં બનાવના દિવસે સવારે તે ખેતરમાં મજૂરી કામે ગયો હતો. અને સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે મલાવ ચોકડી બાજુથી આવતા બાઈક ચાલકે પુરઝડપે હંકારી આવીને અર્જુનભાઈને ટક્કર મારી હતી જ્યાં અકસ્માતમાં તેને માથાના ભાગે તથા કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી વહી ગયું હતું અને તેનું સ્થળ પર જ મોત થયું હતું ત્યારે ઘટના સ્થળે લોકો એકઠા થઈ જતા બાઈક ચાલક તેનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. જ્યાં હાજર લોકોએ કાલોલ નગરપાલિકાની શબવાહિની બોલાવી મૃતદેહને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જ્યાં પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








