ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લીમાં ગરમીનો કહેર, મેઘરજમાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ગરમીનો કહેર, મેઘરજમાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ

અરવલ્લી જિલ્લામાં ઉનાળાની ગરમી હવે અસહ્ય બનતી જઈ રહી છે. હિટવેવની આગાહીના પગલે જિલ્લામાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને મેઘરજ શહેરમાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે.બપોરના સમયે મેઘરજ શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં સુમસામ માહોલ જોવા મળ્યો હતો. ગરમ પવન અને લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જરૂરી કામ સિવાય લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ભારે ગરમીના કારણે રોજિંદા જીવન પર પણ અસર જોવા મળી રહી છે.

ગરમીનો સૌથી વધુ પ્રભાવ વૃદ્ધો, નાના બાળકો અને દૈનિક મજૂરી કરતા લોકો પર પડી રહ્યો છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાં, છાશ, લીંબુ પાણી અને પૂરતું પાણી પીવાનું પસંદ કરી રહ્યા છે. બીજી તરફ બપોર દરમિયાન રસ્તાઓ પર વાહનવ્યવહાર પણ ઓછો જોવા મળ્યો હતો.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને લૂથી બચવા ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!