GIR SOMNATHGIR SOMNATH

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન

ભારતની સાંસ્કૃતિક વિરાસત એવા સોમનાથ મંદિરનું આઝાદી બાદ પુનઃનિર્માણ એ સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદઘોષ હતો : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

માહિતી બ્યુરો વેરાવળ, તા. ૧૧ મે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા.
આ તકે સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે તેના ધામના પુન:નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. હળાહળનું પાન કરીને જે નીલકંઠ કહેવાયાં, આજે આપણે તેમના શરણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ તે ભગવાન સદાશિવની જ લીલા છે.

તેમણે કહ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન: સ્થાપના એ સાધારણ અવસર ન હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, આજે ૭૫ વર્ષની ઉજવણીના આ અવસરે જોવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી.

સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.

પોખરણ પરીક્ષણ અને ઓપરેશન શિવ શક્તિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, ૧૧ મે ૧૯૯૮ના રોજ પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરીને ભારતના વૈજ્ઞાનિકોએ દેશના સામર્થ્ય અને ક્ષમતાને દુનિયા સમક્ષ ઉજાગર કરી હતી. એ સમયે દુનિયાભરની શક્તિઓ ભારતને હરાવવા મેદાનમાં ઉતરી હતી અને અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા પરંતુ એ સમયે વડાપ્રધાન અટલજીના નેતૃત્વ હેઠળ ભારત દેશ ઝૂક્યો નહતો અને દુનિયાને બતાવ્યું હતું કે ભારતીયો નોખી માટીના બનેલા છે.૧૧ મે ૧૯૯૮ના પરીક્ષણના બે દિવસ પછી ૧૩ મેના રોજ ભારતે ફરી બે પરમાણુ પરીક્ષણ કર્યા, ત્યારે દુનિયાને સમજાઈ ગયું હતું કે, ભારતની રાજશક્તિ કેટલી અટલ છે. અટલજીના નેતૃત્વમાં ભારતે બતાવ્યું કે, દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી કે દબાણ હેઠળ લાવી નહીં શકે.

આ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. શિવ સાથે શક્તિની આરાધના એ આપણી પરંપરા છે. દેશમાં ચંદ્રયાન મિશન વખતે જ્યાં રોવર લેન્ડ થયું ત્યાં તેને આપણે શિવશક્તિ પોઇન્ટ નામ આપ્યું છે.
આ તકે તેમણે ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિરના નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે યોજાયેલા અમૃત પર્વ પ્રસંગે હજારોની જન મેદનીને સંબોધતા કહ્યું કે, ૧૯૪૭માં દેશ આઝાદ થયો પછી ૧૯૫૧માં ભારતની સાંસ્કૃતિક વિરાસત સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે ગૌરવભેર કહ્યું કે, સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યો તેમ જણાવી આ ૭૫ વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ ભારતની સાંસ્કૃતિક વિરાસતોને ગૌરવશાળી દર્શાવીને ભારતની સાંસ્કૃતિક એકતા અને સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરતા કહ્યું કે, આ સાંસ્કૃતિક ગૌરવ યાત્રાને અનેક વીર સપૂતો અને રાજા મહારાજાઓએ સંરક્ષિત કરી છે ત્યારે નવી પેઢીને જવાબદારીથી આ વિરાસતોની મહાનતા અને ભવ્યતાના સંરક્ષણથી જાગૃત કરવાની છે અને તેમને મહાન વારસો સોંપવાનો છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સોમનાથ પર આક્રમણ કરનારા સોમનાથને માત્ર એક ભૌતિક માળખું માનતા હતા, જેટલી વાર સોમનાથ પર આક્રમણ થયું તેટલી વાર સોમનાથનું વધુને વધુ દિવ્યતાથી પુનઃનિર્માણ થતું ગયું. આ આક્રાન્તાઓ ભારતનું વૈચારિક સામર્થ્ય જાણતા ન હતા. આપણે શરીરને નશ્વર માનીએ છીએ અને આત્મા એ અવિનાશી માનીએ છીએ. શિવ તો સર્વાત્મા છે, શક્તિ દાતા શિવ શાશ્વત છે એટલે જ હજારો વર્ષ બાદ પણ અતૂટ આસ્થા વચ્ચે સોમનાથ મંદિર આજે અડીખમ ઊભું છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, છેલ્લા એક દસકાથી તેમને ભારતના તીર્થસ્થાનોનો વિકાસ કરવાનો મોકો મળ્યો છે. ભારતની સાંસ્કૃતિક વિરાસતોના પુનઃ જાગરણ અને વિકાસ ભી વિરાસત ભી પર પ્રકાશ પાડતા તેઓએ કાશી વિશ્વનાથ, કેદારનાથ, અયોધ્યા અને સોમનાથ સહિતની વિરાસતોના વિકાસ અને ગૌરવ જણાવી આ તીર્થસ્થળોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ પણ થઈ રહી છે તેનો ઉલ્લેખ કરી પ્રવાસન અને તીર્થ સ્થળો સાથે હજારો લોકોનું જીવન પણ જોડાયેલું છે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા ખેંગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદજી, જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.
સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યા બાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું.
આજે વિશ્વ પ્રાકૃતિક જીવનશૈલી તરફ પાછું વળી રહ્યું છે ત્યારે, ભારતની પરંપરાઓમાં નદીઓ, પર્વતો અને વૃક્ષોને પવિત્રતાના ભાવથી જોવામાં આવે છે. પ્રકૃતિ પણ ઈશ્વર સ્વરૂપ છે તેમ જણાવીને પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણીનો પણ સંદેશ તેમણે આ તકે તેમણે આપ્યો હતો.

આ તકે સ્વાગત સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. સોમનાથ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી આ મંદિર વધુ તેજસ્વીતા સાથે ફરી ઊભું થયુ છે. લોહપુરૂષ સરદાર પટેલ સાહેબે ભગવાન સોમનાથના આ પૂરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુન: નિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ ૧૯૫૧ની ૧૧મી મેએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે ૭૫ વર્ષ થયા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે દાયિત્વ સંભાળવાની સાથે જ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવવાની આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુન: નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતિક બની રહ્યું છે.

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે ‘દેવથી દેશ’નું વિઝન આપનારા વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુન: જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે.

વડાપ્રધાનશ્રીએ સોમનાથ મંદિર પર ૧ હજાર વર્ષ પહેલા થયેલા આક્રમણો સામે શૌર્ય દાખવનારા શૂરવીર યોધ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરીડોર, કેદારનાથધામ વિકાસ, પાવાગઢમાં ૫૦૦ વર્ષ પછી ધ્વજારોહણ, અંબાજી કોરીડોર અને સોમનાથ-તમિલ સંગમ સહિતના આયોજનથી ‘વિરાસત ભી વિકાસ ભી’ના મંત્રને સાકાર કર્યો છે.

આ અવસરે વડાપ્રધાનશ્રીન હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અનેક આક્રમણો છતાં આપણી અતૂટ આસ્થાનું પ્રતીક સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિઝનથી આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મના પાયા પર ભારત વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે. મંત્રીશ્રીએ આ તકે સોમનાથ મંદિરના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી ભાવસભર શબ્દાંજલિ પણ અર્પણ કરી હતી.

જામનગરથી સોમનાથ આવ્યા બાદ વડાપ્રધાનશ્રીએ રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. બાદમાં સોમનાથ મંદિરમાં મહાદેવની મહાપુજા કરીને કુંભાભિષેક કર્યો હતો.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી,રાજ્યના મંત્રીઓ સર્વ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી ડો.પ્રધ્યુમનભાઈ વાજા, શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શ્રી જે.ડી.પરમાર, શ્રી પી.કે. લહેરી, શ્રી હર્ષવર્ધન નેઓટીયા, શ્રી વિષદભાઈ મફતલાલ, ધારાસભ્યો શ્રી ભગાભાઈ બારડ તથા શ્રી કાળુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
૦૦૦

Back to top button
error: Content is protected !!