MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી 181 અભયમ ટીમની સંવેદનશીલ કામગીરી : ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન

 

MORBI મોરબી 181 અભયમ ટીમની સંવેદનશીલ કામગીરી : ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન

મોરબીમાં જાગૃત નાગરિકની સતર્કતા અને 181 ટીમની ત્વરિત કામગીરીથી પરિવારને મળી રાહત

મોરબી : માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના મોરબીમાં સામે આવી છે, જ્યાં ઘરેથી અચાનક નીકળી ગયેલી એક માનસિક અસ્વસ્થ મહિલાને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મિલન કરાવી માનવસેવાનું ઉમદા કાર્ય કર્યું છે.

મળતી માહિતી મુજબ, 181 મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી હતી કે એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી છે અને પૂછપરછ કરવા છતાં યોગ્ય જવાબ આપી શકતી નથી. મહિલાની પરિસ્થિતિને જોતા તાત્કાલિક મદદ માટે 181 ટીમને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન અને પાયલોટ રબારી વિરમભાઈ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચીને ટીમે મહિલાને વિશ્વાસમાં લઈ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ શરૂ કર્યું. શરૂઆતમાં મહિલા કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતા નહોતા, પરંતુ ધીરજ અને માનવતાભર્યા અભિગમથી ટીમે મહિલાના પરિવાર સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો.

પરિવારજનોનો સંપર્ક થતા જાણવા મળ્યું કે મહિલા માનસિક અસ્વસ્થ હોવાથી કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ અને ઓળખીતાઓમાં પૂછપરછ કરી હતી, છતાં મહિલાની કોઈ ભાળ મળી નહોતી, જેના કારણે પરિવાર ભારે ચિંતામાં હતો.

181 અભયમ ટીમ મહિલાને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડતા પરિવારજનોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. ટીમે પરિવારને મહિલાની યોગ્ય કાળજી રાખવા, સતત દેખરેખ અને જરૂરી તબીબી સારવાર કરાવવાની સલાહ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં જાગૃત નાગરિકની સતર્કતા અને 181 અભયમ ટીમની ઝડપી, સંવેદનશીલ અને જવાબદાર કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. મહિલાને પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પરિવારજનોએ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!