MORBI મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક થયેલા હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા







MORBI મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક થયેલા હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા


“‘ક્રાઈમ બ્રાન્ચ અને મોરબી તાલુકા પોલીસની સંયુક્ત કામગીરી, પ્રેમ સંબંધની અદાવતમાં યુવાનની હત્યા”‘

મોરબી: મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ વિશ્વમ કોર્પોરેશન નામના કોલસાના ડેલા પાસે થયેલા હત્યા કેસમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) અને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના સમયમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.૧૧/૦૫/૨૦૨૬ના રોજ બપોરના દોઢથી પોણા બે વાગ્યાના સમયગાળા દરમિયાન ન્યુ નવલખી ટાટા નગરમાં રહેતા ૨૯ વર્ષીય અબ્બાસ અબ્દુલ સોતાની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં તેના બે ભાઈઓ હસન સોતા અને સુલતાન સોતાને પણ લોખંડના પાઈપ અને સળીયા વડે માર મારી ઇજા પહોંચાડવામાં આવી હતી.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાત્રે હત્યાનો ગુનો નોંધાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક અબ્બાસ સોતા આરોપી આસીફ ઈલિયાસ દલની બહેન સાથે મોબાઈલ ફોન પર વાતચીત અને મેસેજ કરતો હતો. આ બાબતને લઈ ઉશ્કેરાયેલા આરોપીઓએ સમાધાનના બહાને અબ્બાસ અને તેના ભાઈઓને બોલાવ્યા હતા.
આરોપી આસીફ ઈલિયાસ દલ અને તેના બનેવી હુશેન ઈબ્રાહિમ ઉર્ફે અભરામભાઈ સાઇચાએ ગાળો આપી ઝઘડો કર્યો હતો અને જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન અબ્બાસ સોતાને છાતીના ભાગે છરીનો ઘા મારતા તેનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત, જાહેરનામાનો ભંગ કરી હથિયારો સાથે ગુનો આચરાયો હોવાનું પણ સામે આવ્યું છે.

ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલ તથા મોરબી તાલુકા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ જે.ડી. સરવૈયાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓના નામ:
આસીફભાઈ અલીયાસભાઈ દલ (ઉ.વ.૨૬), રહે. નવીન નવલખી, તા. માળિયા (મીં), જી. મોરબી
હુશેનભાઈ અભરામભાઈ ઉર્ફે ઇબ્રાહિમભાઈ સાઇચા (ઉ.વ.૨૮), રહે. નવીન નવલખી, તા. માળિયા (મીં), જી. મોરબી
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. મોરબી, પેરોલ સ્ટાફ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.



