MORBI:મોરબી વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: સ્વનિલ ખરે નવા કલેક્ટર, જાણો અન્ય કોને સોંપાઈ મહત્વની જવાબદારી







MORBI:મોરબી વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: સ્વનિલ ખરે નવા કલેક્ટર, જાણો અન્ય કોને સોંપાઈ મહત્વની જવાબદારી


મોરબી: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા અંતર્ગત મોરબી જિલ્લાના વહીવટી માળખામાં પણ ધરખમ ફેરફારો જોવા મળ્યા છે. જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર અને DDO જેવી મહત્વની જગ્યાઓ પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર: મોરબીના હાલના મ્યુનિસિપલ કમિશનર સ્વનિલ ખરે (IAS) ની બઢતી સાથે બદલી કરી તેમને મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કમિશનર: ગાંધીનગર ખાતે ગુજરાત અર્બન લાઇવલિહૂડ મિશનમાં કાર્યરત સંગીતા રૈયાણી (IAS) હવે મોરબી મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકેની જવાબદારી સંભાળશે.
જિલ્લા વિકાસ અધિકારી (DDO): અમદાવાદના ધંધુકા ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવતા વિદ્યાસાગર (IAS) ને મોરબીના નવા DDO તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ એન.એસ. ગઢવીનું સ્થાન લેશે.
મોરબીના વર્તમાન કલેક્ટર કિરણ બી. ઝવેરી (IAS) ની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. તેઓ હવે નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપશે.

મોરબીમાં એકસાથે કલેક્ટર, કમિશનર અને DDO એમ ત્રણેય મુખ્ય હોદ્દાઓ પર નવી નિમણૂક થતા વહીવટી તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થશે. આ ફેરફારો બાદ જિલ્લાના વિકાસ કાર્યો અને પડતર પ્રશ્નોના નિરાકરણમાં ગતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



